
રાજકોટ નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભલગામ પુલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે જતી સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા કાર બેકાબૂ બનીને રોડની સાઈડમાં આવેલા પતરાના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક ૧૬ વર્ષીય કિશોરીનો જમણો પગ કપાઈ ગયો હતો, જ્યારે અન્ય એક યુવાનને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના બામણબોર નવાપરા ખાતે રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઈ નારણભાઈ કડવાણીની ૧૬ વર્ષીય દીકરી સર્ધાબેન ઉર્ફે શારદાબેન, વિરાજભાઈ, સંજયભાઈ અને ગારીડા ગામનો રાહુલભાઈ ધરજીયા સ્વિફ્ટ કાર નં. GJ-03-KH-1696 માં કુચીયાદળ ગામેથી મેસરિયા ગામે બરફના ગોલા ખાવા માટે ગયા હતા. ગોલા ખાઈને તેઓ પરત કુચીયાદળ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભલગામ પુલ નજીક પહોંચતા કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચાલતી હોવાને કારણે અચાનક ડાબી બાજુનું (ખાલી સાઈડનું) આગળનું ટાયર ફાટી ગયું હતું. જેના લીધે ચાલક રાહુલે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની સાઈડમાં લગાવેલા પતરાના ડિવાઈડર સાથે ભટકાઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઈડરનું પતરું ૧૬ વર્ષીય શારદાબેનના જમણા પગમાં વાગતા તેમનો પગ કપાઈ ગયો હતો અને તેમને અત્યંત ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત કારમાં સવાર વિરાજભાઈને પણ બંને પગના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે ભોગ બનનાર કિશોરીના પિતા રમેશભાઈ કડવાણીએ કાર ચાલક આરોપી રાહુલભાઈ ધરજીયા વિરુદ્ધ પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવી, ગંભીર અકસ્માત સર્જવા બદલ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


