અગાઉ અનેકવાર જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરી છતાં જાડી ચામડીનું તંત્ર સત્તાપક્ષના આગેવાનોને પણ નથી ગણકારતું : હરૂભા ઝાલા
સમગ્ર દેશમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, ત્યારે હવે તો આ પેધી ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ હદ વટાવી હોવાનો ઘાટ સર્જાયો છે. વાંકાનેર પંથકમાં પંચાયતથી કેન્દ્ર સુધી ભાજપ સરકાર સત્તામાં હોય ત્યારે ખુદ સત્તાપક્ષના જવાબદાર પ્રતિનિધિનો અવાજ પણ જાડી ચામડીના તંત્રના કાનને અથડાઇ પાછો પડી રહ્યો છે. જેમાં વાંકાનેરના લુણસરીયા રોડ પર ખખડધજ રોડ-રસ્તા અને મસમોટા ગાબડા બાબતે અનેકવાર જવાબદાર તંત્રને રજૂઆતો કરી હોય છતાં જાડી ચામડીના તંત્રએ બાબતની નોંધ સુદ્ધા ન લેતા અત્યાર સુધીમાં બે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ અને ભાજપના આગેવાન એવા હરૂભા ઝાલા એ ચક્રવાત ન્યુઝ સમક્ષ કરાતા ખળભળાટ મચી ગયો છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની રેલવે ફાટક નજીક ગઇકાલ બપોરના સમયે બાઇક લઇને પસાર થતા સલીમભાઈ વલીમામદભાઈ મુરડેનું બાઇક અચાનક સ્લીપ થઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જેથી યુવકના મોત અને જાડી ચામડીના તંત્રની ગંભીર બેદરકારી મામલે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અને ભાજપ અગ્રણી હરૂભા ઝાલાએ ચક્રવાત ન્યુઝ સમક્ષ જણાવ્યું હતું કે, ખાડા ટેકરા વાળા રસ્તાને કારણે અહીં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં છેલ્લા છ મહિનામાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે…
આ સાથે જ રસ્તાની મરામત કામગીરી મામલે હરૂભા ઝાલા દ્વારા મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતનાને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆત કરવામાં આવી હોય છતાં તંત્ર દ્વારા આજ સુધી રસ્તાની મરામત દૂરની વાત છે પરંતુ જીવલેણ ખાડાઓ બુરવાની કામગીરી પણ કરી નથી. આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો સત્તા પક્ષની તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પતિ દ્વારા કરાયેલ રજૂઆતોને પણ ઝાડી ચામડીના સરકારી બાબુઓ ધ્યાને ન લેતા હોય ત્યારે આમજનતાની કોણ સાંભળે ?
ગઈકાલે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવકના મોતથી વ્યથિત બનેલા ઝાલાએ સરકારના મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તૈયારીઓ દેખાડી છે. ખાડાને કારણે બે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ પણ તંત્રની નિંદર ઉડી નથી ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર હજુ પણ વધુ નિર્દોષ લોકો અકસ્માતમાં મોતને ભેટવાની રાહ જોશે કે પોતાની કામગીરીને વળગી રહેશે…?
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર પંથકમાં ગ્રામ પંચાયતથી લઈને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સુધી તમામ સ્થાનોમાં ભાજપની સત્તા હોય ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ જેવા મહત્વના હોદ્દા ધરાવતા ભાજપ અગ્રણીઓની વાત જો જાડી ચામડીના પેધી ગયેલા અધિકારીઓ કે તંત્ર સાંભળતું ન હોય તો સામાન્ય નાગરિકોની કેવી હાલત થશે તે વિચારવા લાયક પ્રશ્ન બની રહ્યો છે…