વિદ્યાર્થીઓ જીદે ચડ્યા, આચાર્યને પુનઃ ચાર્જ આપવામાં નહી આવે તો સ્કુલે નહીં જઇએ, સામે શિક્ષણાધિકારી પણ જીદે ચડ્યા, જે થાય તે કરી લો નિર્ણય નહીં બદલાય….
વાંકાનેર તાલુકાના રાતીદેવળી પ્રાથમિક શાળાના આચાર્ય રજીયાબેન હેરંજાને અચાનક જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર્જ છોડવાનો હુકમ કરાતાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે…
છેલ્લા ૧૮ વર્ષથી જે શાળામાં આચર્યા તરીકે ફરજ બજાવતા હોય ત્યારે અચાનક જ મહિલા શિક્ષક પાસેથી આચાર્યનો ચાર્જ છીનવી બીજા શિક્ષકને આપવા પાછળ આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ફકત વ્યકિતગત કારણોસર પોતાનો અહંમ સંતોષવા રામકૃષ્ણનગર તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઇ દામજીભાઇ મકવાણા દ્વારા આ સમગ્ર તૂર્ત ઉભુ કરવામાં આવેલ છે. સિનિયર શિક્ષક કુમુદબેન મકવાણાએ ચાર્જ માંગ્યો હોય તેવા કોઇ આધાર પુરાવા છે નહિ અને હોય તો પણ તેમણે શાળા કક્ષાએ આજ સુધીમાં ક્યારેય મૌખિક કે લેખિત જાણ કરેલ નથી.
જો કુમુદબેન મકવાણા દ્વારા માંગણી કરેલ હોય તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરેલ હુકમમાં તેનો કોઇ સંદર્ભ નથી. તે બાબત શંકા ઉપજાવે છે. માત્ર ત્રણ દિવસમાં જ શબ્દો અને લખાણ બદલાવીને ટી.પી. ઇ. ઓ કચેરીએ આ બાબતે જુદા જુદા ત્રણ હુકમો કરેલ છે. તે બાબત પણ શંકા ઉપજાવે છે. ૧૮ વર્ષથી અમારા ગામની શાળામાં આચાર્ય તરીકે રજીયાબેન હેરંજા સારામાં સારું શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. તેઓની નોંધ રાતદેવરી ગામ, અધિકારીઓ અને પદાધિકારીઓએ લીધી છે.
વધુમાં જણાવ્યું હતું કે રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઇ મકવાણા ૧૨ વર્ષથી તાલુકા શાળાના આચાર્ય છે. તો ૧૨ વર્ષ સુધી બધું યોગ્ય હતું તો હવે જ આ પ્રશ્ન ઉભો કરાવ્યો તે પણ શંકા ઉપજાવે છે. હસુભાઇ મકવાણા જેવા વ્યકિતનાં કારણે અમો અમારા ગામના બાળકોનું ભણતર અને ભવિષ્ય બગડવા નહિ દઇએ. તેમણે આ પહેલા પણ ઇરાદાપૂર્વકની વીઝીટ કરીને કરીને આ પ્રશ્ન ઉભો કરેલ ત્યારે અમોએ શાળા કક્ષાએ સ્ટાફ સાથે ચર્ચા કરી પ્રશ્નનું નિરાકરણ કરેલ. અમારી માંગણી છે કે હસમુખભાઇ મકવાણાનો કેળવણી નિરીક્ષક તરીકેનો ચાર્જ રદ કરવામાં આવે કારણ કે જ્યારથી તેઓએ આ યાર્જ સંભાળેલ છે, ત્યારથી જ વારંવાર અમારા ગામ રાતીદેવળીમાં તેઓ આ પ્રશ્નો ઉભા કરે છે.
વધુમાં હસુભાઇ મકવાણા અને કુમુદબેન મકવાણા કૌટુંબિક સગા થાય છે. માટે આ પ્રશ્ન વારંવાર થાય છે. અમારી એ પણ માંગણી છે કે અમારી રાતીદેવળી શાળાને આ રામકૃષ્ણ તાલુકા શાળામાંથી અન્ય તાલુકા શાળામાં ખસેડવામાં આવે. રજૂઆત સાથે ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે જો આજે જ આ હુકમ રદ નહિ થાય તો આજ થી જ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમજ જો આ હુકમ રદ નહિ થાય તો અમો આગામી મંગળવારથી શાળાને તાળાબંધી કરવાની તૈયારી કરી રાખેલ છે. જેના માટે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી જવાબદાર રહેશે.
શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ ત્યારે તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીંયા, તાલુકા શિક્ષણ અધિકારી જીગ્નેશ વોરા તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉગ્ર રજૂઆત બાદ પણ શિક્ષણ અધિકારી જીગ્નેશ વોરા દ્વારા હકારાત્મક વલણ ન અપનાવતા વિધાર્થીઓ તથા ગ્રામજનો દ્વારા સૂત્રોચાર કર્યા હતા અને શાળાને તાળાબંધી કરી વિધાર્થીઓ શાળાએ જવાનું બંધ કરશે તેવું જણાવી આંદોલન છેડવામાં આવશે તેવું જણાવ્યું હતું. તેઓની માંગ છે કે મહિલા શિક્ષક રઝિયાબેન ને આચાર્યનો ચાર્જ આપવામાં નહીં આવે તો શાળાના ૨૧૦ વિધાર્થીઓ શિક્ષણ કાર્યથી અળગા રહેશે….