Wednesday, May 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કણકોટ ગામે કંપનીમાં મસમોટું કૌભાંડ : LPG ગેસ કંપનીના ઇન્ચાર્જ અને...

    વાંકાનેરના કણકોટ ગામે કંપનીમાં મસમોટું કૌભાંડ : LPG ગેસ કંપનીના ઇન્ચાર્જ અને ઓપરેટરે મળી 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી માર્યો….

    વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલી એલ.પી.જી (LPG) ગેસ રિફીલીંગ કંપનીમાં રૂપિયા 1.52 કરોડથી વધુની કિંમતના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ, કંપનીના જ પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરે પોતાના અંગત આર્થિક ફાયદા માટે કંપની સાથે વિશ્વાસઘાત કરી 92 ટનથી વધુ ગેસનો જથ્થો બારોબાર સગેવગે કરી નાંખતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં કુવાડવા રોડ પર આવેલ કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ નામની કંપની બહારના દેશોમાંથી એલ.પી.જી ગેસ મંગાવીને અહીં રિફીલીંગ પ્લાન્ટ મારફતે તેનું છૂટકમાં વેચાણ કરે છે, ત્યારે આ કંપનીમાં પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા આરોપી સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ (હાલ રહે. મહાવીરનગર, વાંકાનેર, મૂળ રહે. રાજસ્થાન) અને ઓપરેટર ઇલ્યાસ નુરમામદભાઇ પરાસરા (રહે. કણકોટ-૩, તા. વાંકાનેર)એ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કંપનીના માલિકો અને ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર એક સુવ્યવસ્થિત કૌભાંડ આચર્યું હતું….

    જેમાં બંને કર્મચારીઓએ અત્યાર સુધીમાં પ્લાન્ટમાંથી કુલ 92 ટન 656 કિલો એલ.પી.જી ગેસનો જથ્થો સગેવગે કરી નાખ્યો હતો. આ બારોબાર વેચી મારવામાં આવેલા ગેસના જથ્થાની બજાર કિંમત રૂ. 1,52,88,240 જેટલી થતી હોય, ત્યારે આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે કંપનીમાંથી આટલા મોટા જથ્થાની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યો હતો…

    કંપનીના હિસાબો અને સ્ટોકમાં મસમોટો તફાવત આવતા અને કૌભાંડની ગંધ આવતા તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને કર્મચારીઓની સંડોવણી ખુલતા, કંપનીના લીગલ હેડ શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (રહે. મહારાષ્ટ્ર) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓએ આ ગેસ કોને અને ક્યાં વેચ્યો ? તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તે દિશામાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!