
ભારતના ચૂંટણી પંચ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીના નિર્દેશ અનુસાર, મોરબી જિલ્લામાં મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો માટે ‘સતત મતદારયાદી સુધારણા’ પ્રક્રિયા અંતર્ગત એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ગત ૧ ઓક્ટોબરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ખાસ કરીને ૧૮ થી ૧૯ વર્ષના યુવા અને પ્રથમ વખત મતદાન કરનાર નાગરિકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે….


આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બરના રોજ મોરબી જિલ્લાના તમામ બૂથ લેવલ અધિકારીઓ (BLO) સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી પોતપોતાના મતદાન મથકો પર અચૂક હાજર રહેશે. આ દિવસો દરમિયાન BLO દ્વારા નવા નામ નોંધવા, હક્ક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે. જે નાગરિકો અથવા યુવાનોનું મતદારયાદીમાં નોંધણી કરાવવાનું બાકી રહી ગયું હોય, તેઓ પોતાના જરૂરી આધાર પુરાવાઓ સાથે નજીકના મતદાન મથકે જઈને BLO નો સંપર્ક કરી શકે છે. ત્યાં ‘મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦’ મુજબ નિયત ફોર્મ ભરીને સ્થળ પર જ નામ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.


લોકશાહીની પાયાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા મોરબીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢાએ અપીલ કરી છે કે, જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખતના યુવા મતદારો આ વિશેષ ઝુંબેશનો મહત્તમ લાભ લે અને લોકશાહીના આ પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવે….




