વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે પર નવાપરા પુલની કટ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાજકોટના 70 વર્ષીય વૃદ્ધાને પૂરઝડપે આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધાને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બાઈક ચાલક પણ ઘાયલ થયો હતો…

બનાવની મળતી વિગતો અનુસાર, રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ. 46) પોતાના નાના ભાઈ સંજયભાઈ અને માતા લાભુબેન (ઉ.વ. 70) સાથે ગત તા. 19ના રોજ નવાપરાથી રાજકોટ પરત ફરી રહ્યા હોય દરમિયાન વાંકાનેરના નવાપરા પુલની કટ પાસે નેશનલ હાઇવે ક્રોસ કરતી વેળાએ વાંકાનેર તરફથી પૂરઝડપે આવી રહેલા મોટરસાયકલ નં. GJ-36-AQ-9355ના ચાલકે લાભુબેનને જોરદાર ઠોકર મારી નીચે પછાડી દીધા હતા.

બાઈકની ટક્કર વાગતા જ વૃદ્ધા લાભુબેન ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને ખભાની હાંસળીમાં ફ્રેક્ચર તેમજ મોઢાના ભાગે ઈજા અને કમરથી ઘૂંટણ સુધીના ભાગે મૂઢ માર વાગ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત વૃદ્ધાના પુત્ર રાજુભાઈ મકવાણાએ બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે….



