રાજકોટના ભગવતીપરામાં રહેતો મુસ્લિમ પરિવાર ઘર કંકાસ દુર કરવા તાંત્રિક પાસે ગયો અને મોત મળ્યું….
સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સીરીયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાની અમદાવાદ સરખેજ પોલીસે વેપારીની હત્યાના પ્રયાસ કરવાના ગુનામાં ધરપકડ કર્યા બાદ આરોપીએ પોલીસ કસ્ટડીમાં સનસનીખેજ ખુલાસાઓ કરતાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી આ બનાવમાં આરોપીની કબુલાતના આધારે પોલીસે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં આરોપીએ કરેલ એક હત્યાના તાર વાંકાનેર સાથે જોડાતા છેલ્લા ત્રણ દિવસથી સરખેજ પોલીસે વાંકાનેરમાં ધામા નાખી સ્થાનિક પોલીસ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
આ બનાવમાં સિરિયલ કિલર આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાએ એક મહિલાની હત્યા કરી તેની લાશના ટુકડાં કરી બોડીને વાંકાનેર નજીક દફનાવી હોવાની કબૂલાતના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં એક મુસ્લિમ પરિવારની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં રાજકોટના ભગવતીપરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મકાસમ (ઉ.વ. ૬૨) તેમના પત્ની ફરીદાબેન કાદરભાઈ મકાસમ (ઉ.વ. ૫૮), પુત્ર આસીફભાઈ કાદરભાઈ મકાસમ (ઉ.વ. ૩૫) અને પુત્રી નગમા કાદરભાઇ મકાસમ (ઉ.વ. ૨૮) ઘર કંકાસ અને પરેશાની દૂર કરવા તાંત્રિક નવલસિંહના આશરે ગયા હતા….
દરમ્યાન સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહને નગમા સાથે પ્રેમ લાગણી બંધાઈ જતાં તેને ઘરે લાવ્યા બાદ પત્નીએ વિરોધ કરતાં માથાફરેલા તાંત્રિકએ નગમાની ગત મે-૨૦૨૪ માં વઢવાણ ખાતે હત્યા કરી તેની લાશના ટુકડાં કરી બાદમાં લાશના અવશેષોને બે થેલામાં ભરી વાંકાનેરની વિશીપરા ફાટક નજીક ધમલપર તરફ જવાના રસ્તે તેના સંબંધી શક્તિસિંહ નામના યુવાન સાથે મળી અવાવરૂ જગ્યાએ ખાડામાં દાટી દીધા હતા…
જે બાદ ગત તા. ૨૨/૦૫/૨૦૨૪ ના રોજ સવારે નગમાના પિતા કાદરભાઈ, માતા ફરીદાબેન અને ભાઇ આસીફભાઈને પડધરી નજીક મોટા રામપર ગામે જંગલમાં બોલાવી ત્રણેયને ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખી હતી, જેમાં આરોપીએ આ ત્રણેયની હત્યા કરી બનાવને આપઘાતમાં ખપાવવા ત્રણેયની લાશને રીક્ષા નં. GJ 03 AX 0285 માં ગોઠવી ફરાર થઈ ગયો હતો, જેમાં પોલીસે પણ આ બનાવને આપઘાત માની તા. ૧૬/૧૦/૨૪ ના બનાવને ફાઇલ કર્યો હતો. જે સમગ્ર બનાવની વિગતો આરોપીએ સરખેજ પોલીસને આપતા બનાવ પરથી પડદો ઊંચકાયો છે….
આ ચોંકાવનારી કબુલાત બાદ સરખેજ પોલીસ વાંકાનેર પહોંચી ગઇકાલે સાંજે વાંકાનેર સીટી પોલીસ સાથે રાખી વીશીપર ફાટક નજીક ધમલપર તરફ જવાના રસ્તામાં એક ખાડામાં લગભગ ચારેક કલાક ખોદકામ કરાવી નગ્માની લાશના અવશેષો કબ્જે કર્યા હતા, જેમાં હાલ માનવ લાશના અવશેષો મળ્યા છે, જેમાં માથા, પગ, હાથ, પેટ સહિતના ભાગોનો સમાવેશ થાય છે. પ્લાસ્ટીકની દોરી અને ગુટકાના થેલામાંથી આ તમામ અવશેષો મળી આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી વખતે વાંકાનેરના એસડીએમ, ડીવાયએસપી, વાંકાનેરના પીઆઈ અને સરખેજ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે માનવ લાશના અવશેષો કબજે કરાયા છે તે ખરેખર નગ્માના છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બીજા વૈજ્ઞાાનિક પૃથ્થકરણો પછી જ સ્પષ્ટ કરવામાં આવશે….
સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહે છેલ્લા 14 વર્ષમાં દાદી, કાકા, માતા સહિત 12 લોકોની હત્યા કરી નાંખી….
આ બનાવમાં માથાફરેલ સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાએ છેલ્લા 14 વર્ષમાં 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે, જેમાં તેણે પ્રથમ ૧૪ વર્ષ પહેલાં દાદી ૧). મંગુબેન ભીખુભાઈ ચાવડાની, બાદમાં અગીયાર મહિના પહેલા બિમારીમાં સારવાર ન કરવી પડે તે માટે કાકા ૨). સુરાકાકા તેમજ નવ મહિના પહેલા ઘર કંકાસ તથા બિમારીમાં દેખરેખ ના કરવી પડે તે માટે માતા ૩). સરોજબેન કનુભાઈ ચાવડાની હત્યા કરી નાખી હતી.
જે બાદ વર્ષ ૨૦૨૧ માં અસલાલી પોલીસ મથક વિસ્તારમાં ૪). વિવેક ભાનુભાઇ ગોહિલની પણ પૈસાની લાલચમાં હત્યા કરી હતી. જે બાદ ગત તા. ૧૧/૦૩/૨૩ ના રોજ તાંત્રિક વિધિના નામે પૈસાની લાલચમાં સુરેન્દ્રનગરમાં મુળચંદ ગામ દુધરેજ નજીક કેનાલના નાલા નીચે ૫). દિનેશભાઈ પાટડીયા, ૬). પ્રફુલાબેન દિપેશભાઉ પાટડીયા, ૭). ઉત્સવીબેન દિપેશભાઈ પાટડીયાની હત્યા કરી હતી. જે બાદ અંજાર પોલીસ મથક વિસ્તારમાં જેસલ-ચોરલ સમાધીના પુજારી ૮). રાજ બાવાજીની ચામાં સોડીયમ પાવડર ભેળવી હત્યા કરી નાખી હતી. જે પછી આરોપીએ અંતે રાજકોટના ૯). કાદરભાઈ, ૧૦). ફરીદાબેન, ૧૧). આસીફભાઈ અને ૧૨). નગમાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી….