
હાલમાં ચાલી રહેલી કાળઝાળ મોંઘવારીએ ગરીબ અને મધ્યમવર્ગની કમર તોડી નાખી છે, ત્યારે આ આર્થિક સંકડામણને કારણે વધુ એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના વાંકાનેરમાંથી સામે આવી છે. વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિકે આર્થિક તંગીથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે….


બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લાના વતની અને હાલ વાંકાનેરના ઢુવા નજીક આવેલી અમરનાથ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા રામલોચન સુબેદારભાઈ રાજપૂત (ઉં.વ. ૩૨) નામના યુવાને ગઈકાલે સવારના સમયે ટ્રેન હેઠળ ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. મૃતક યુવાન પોતાના પરિવારના ભરણપોષણ માટે અહીં મજૂરી અર્થે આવ્યો હતો અને ફેક્ટરીની લેબર કોલોનીમાં જ રહેતો હતો…


પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, રામલોચનની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી અત્યંત કથળી ગઈ હતી. વધતી જતી મોંઘવારી અને આર્થિક સંકડામણ વચ્ચે તે પોતાના વતનમાં રહેતા પરિવારને ગુજરાન ચલાવવા માટે રૂપિયા મોકલી શકતો ન હતો. વતનમાં પૈસા ન મોકલી શકવાની મજબૂરીને કારણે તે સતત માનસિક ચિંતામાં રહેતો હતો. આખરે ચિંતા અને નિરાશાથી કંટાળી જઈને તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


