
ભેરડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સફેદ યુટીલીટીમાં અપહરણ કરી ઉડવી ગામની સીમમાં માર માર્યો, છ શખ્સો સામે ગુનો નોંધાયો….
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પ્રેમપ્રકરણમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં પુત્ર એક યુવતીને ભગાડી જતાં, ઉશ્કેરાયેલા યુવતીના પરિવારજનો અને મળતિયાઓએ યુવાનના પિતાનું અપહરણ કરી, તેમને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા ફરિયાદી વિનોદભાઇ લવજીભાઇ ગોરીયા (ઉ.વ. ૪૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). સુખાભાઇ ખેતાભાઇ સારદીયા (રહે. ઉડવી, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર), ૨). સગરામભાઇ મગાભાઇ બાવળીયા (રહે. ખંપાલીયા, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર) તથા અજાણ્યા ચાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વિનોદભાઈના પુત્ર ભુપત ઉર્ફે મુન્નાને વિનોદભાઈના ભત્રીજા હિરાભાઇ રાજુભાઈ ગોરીયાની સાળી કૈલાશબેન ખેતાભાઇ સારદિયા સાથે પ્રેમ સંબંધ હોય અને ચારેક દિવસ પહેલા ભુપત કૈલાશબેનને લઈને ભાગી ગયો હતો….

પુત્રીને ભગાડી જવાના આ બનાવનો ખાર રાખીને ગઈકાલે સાંજના સમયે યુવતીનો ભાઈ સુખાભાઇ અને સગરામભાઇ અન્ય ચારેક શખ્સો સાથે એક સફેદ કલરની યુટીલીટીમાં ભેરડા ગામે ધસી આવી ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી રાજુભાઇની પાનની દુકાન પાસેથી આરોપીઓએ બળજબરીપૂર્વક ફરિયાદી વિનોદભાઈ ગોરીયાને યુટીલીટીમાં બેસાડી અપહરણ કરી ઉંડવી ગામની સીમમાં અવાવરું જગ્યાએ લઇ જઇ ફરિયાદીને ઢીંકાપાટુનો બેફામ માર મારી ‘ કૈલાશબેનને હાજર કરી દેજે નહિતર તને પતાવી દેશું. ‘ તેવી ધમકી આપી હતી…

આરોપીઓના આક્રમક વલણ અને મારથી ગભરાયેલા વિનોદભાઈએ આજીજી કરી હતી અને પોતે શોધખોળ કરીને કૈલાશબેનને પાછા સોંપી દેશે તેવી ખાતરી આપતાં આરોપીઓ તેમને થાનગઢ ગામે ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ બાદ ભોગ બનનાર વિનોદભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે પહોંચીને ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ગુનો નોંધાવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



