વાંકાનેર શહેરના નાગરિકોને પડતી રોજબરોજની મુશ્કેલીઓ મામલે આજરોજ વાંકાનેર નગરપાલિકામાં વિરોધ પક્ષના સદસ્યો તેમજ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને નગરપાલિકા અધિનિયમની કલમ 259 હેઠળ કલેકટરશ્રીને વર્તમાન બોડીની બિનકાર્યક્ષમતાનો રિપોર્ટ સુપ્રત કરી વાંકાનેર શહેરમાં કલેક્ટરશ્રીની અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરી વિકાસના કામો કરી નાગરિકોના પ્રશ્નો હલ કરવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે….
બાબતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, વાંકાનેર શહેર જીનપરા રોડ, મીલપ્લોટ રોડ, વિશીપરા રોડ, લક્ષ્મીપરા રોડ, સહિત મોટાભાગના રોડ-રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોય અને મોટા મોટા ખાડા પડી જવાથી અવાર નવાર અકસ્માતના બનાવો બને છે, જે મામલે વાંરવાર લેખીત મૈખીક રજુઆત કરવા છતા નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નકર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે વાંકાનેર શહેરના નાગરીકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા નાગરીકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે સમજાતુ નથી.
વાંકાનેર શહેરના બસ સ્ટેશન રોડ, આરોગ્યનગર વિસ્તારમાં ભર ચોમાસે ભુગર્ભ પાઈપ લાઈન નાખવાના નામે ખાડા ખોદી નાખતા રાહદારીઓ તથા વાહન ચોલકોને ભારે તકલીફ પડી રહી છે. આ સાથે જ વાંકાનેર શહેરના નાગરીકોને નગરપાલિકા દ્વારા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પિવા માટે આપવામાં આવી રહ્યું છે. જેમાં નગરપાલિકાનો ફીલ્ટર પ્લાન્ટ પણ બંધ છે. જેના કારણે બિન આરોગ્યપ્રદ પાણી પીવા માટે નાગરીકો મજબુર બન્યા છે.
વાંકાનેર શહેરમાં ઠેક ઠેકાણે ભુર્ગભ ગટરના ઢાંકણા તુટી ગયા છે. જેમા અવાર નવાર વાહનો ફસાય જાય છે. ઉપરાંત વરસાદ આવતા ખુલ્લી ભુર્ગભ ગટર નજરે પડતી નથી, જેના કારણે કોઈ પડી જાય તો જાનહાનીનો સતત ભય રહે છે. પરંતુ વાંકાનેર નગરપાલિકા આ બાબતે કાર્યવાહી કરતું નથી. ચોમાસા પહેલા પ્રીમોન્સુન કાર્યવાહી કરવી જરૂરી હતી પરંતુ વાંકાનેર નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ઠેરઠેર પાણી ભરાઇ રહ્યા છે. અને શેરીઓમાં તથા લોકોના ઘરમાં ગટરનું પાણી ઉભરાયને ભરાય જાય છે. જેથી વાંકાનેર શહેરમાં રોગચાડો ફાટી નીકડવાનો ભય ઉભો થયો છે.
અત્રે ઉલેખનીય છે કે વાંકાનેર નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન કરતા લોકોના આરોગ્ય અને જીવન પર ગંભીર ખતરો ઉભો થતો હોય, ત્યારે નગરપાલિકાના સદસ્ય જાગૃતીબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચહાણ, કુલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા કલેકટરશ્રીને નગરપાલિકા અધિનીયમ કલમ 259 હેઠળ પ્રાપ્ત અમર્યાદીત સત્તા હેઠળ કામગીરી કરવા માંગણી કરેલ હોય, જે મામલે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા કલેકટરશ્રીને રિપોર્ટ સુપ્રત કરી વાંકાનેર નગરપાલિકા તંત્રના બિન જવાબદાર વલણ અને બિન કાર્યક્ષમતા ધ્યાને લઈ આ મુદે યોગ્ય કાર્યવાહી કરાવા માંગ કરવામાં આવી છે.…