જીલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ…
છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડતા અતિભારે વરસાદના કારણે વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર ઘોડાપૂર આવતા કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે અહીં મેજર બ્રિજ મંજૂર કરવા માંગ કરવામાં આવી છે…..
બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે વાંકાનેર-મીતાણા સ્ટેટ હાઇવે ૫ર આસોઇ નદી ૫ર વર્ષો જુનો અને ખુબ જ નીચો જર્જરીત હાલતમાં કોઝવે ધોવાઇ જતાં આજુબાજુના મોટા ગામો પૈકી તીથવા, પી૫ળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા, કોટડાનાયાણી, કાગદળી, મીતાણાના નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં અહીં વાહનવ્યવહાર બંઘ થવાના કારણે ઇમરજન્સી, માંદગી તેમજ પ્રસૃતિના દર્દીઓને ખુબજ હાલાકીનો સામનો કરવો પડે છે. આ સ્ટેટ હાઇવે નેશનલ હાઇવેને જોડતો રસ્તો હોવાના કારણે આ રસ્તા ઉ૫ર આવતા ગામોનો ટ્રાફીક ઉ૫રાંત જામનગર જતા વાહનો અહીંથી ૫સાર થાય છે.
તેમજ આજુબાજુના ગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાજકોટ, વાંકાનેર, જામનગર અભ્યાસ માટે આ રસ્તામાંથી પસાર થવાનું હોય તેમજ પ્રાથમિક / માઘ્યમિક અભ્યાસ કરતા મોટી સંખ્યામાં આજુબાજુના પ્રાઇવેટ સંસ્થાની શાળાઓ આવેલ હોય જે નાના બાળકોને લઇને વાહન વ્યવહાર આ કોઝવે ઉ૫રથી પસાર થાય છે. આ આસોઇ નદીનો કોઝવે વર્ષો જુનો જર્જરીત હાલતમાં હોય અકસ્માત થશે તો તેની જવાબદાર સરકારશ્રી થશે, કારણ કે આ કોઝવે માટે અવારનવાર લગત કાર્યપાલક ઇજનેર તથા માર્ગ મકાન મંત્રીશ્રી ગાંધીનગર તથા મુખ્યમંત્રીશ્રીને લેખિત તથા મૌખિક રજુઆત કરેલ હોવા છતા આજદિન સુધી આ કોઝ-વે બાબતે કોઇ૫ણ પ્રકારની કાર્યવાહી હજુ સુઘી હાથ ધરેલ નથી,
સ્ટેટ હાઇવે મોરબી દ્વારા સરકારશ્રીને ફોટા સાથે દરખાસ્ત ૫ણ કરેલ હોય પરંતુ સરકારશ્રીએ આ મેજર બ્રીજ બનાવવા માટે બજેટમાં જોગવાઇ કરેલ નથી. હાલમાં ખુબ જ વધુ પ્રમાણમાં વરસાદને લીઘે પુરની સ્થિતિ સર્જાતા કોઝ-વેના બે ગાળા સંપૂર્ણ ડેમેજ થઇ જવાથી રસ્તો બંધ કરવામાં આવેલ છે. વાંકાનેરનો આ મુખ્ય સ્ટેટ હાઇવે બંઘ રહેવાથી સમગ્ર વાંકાનેરના રહેવાસીઓ તથા સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રભાવીત થયા છે. જેથી તાત્કાલિક અહીં મેજર બ્રિજ મંજૂર કરી કામ શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે….