Monday, September 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : કાસમપરા-સિંધાવદર ગામે વર્ષો જૂની જમીનના રસ્તાની તકરારનો અંત, કાનૂની જંગમાં...

    વાંકાનેર : કાસમપરા-સિંધાવદર ગામે વર્ષો જૂની જમીનના રસ્તાની તકરારનો અંત, કાનૂની જંગમાં ઈસ્માઈલ માણસીયા તરફી ચુકાદો….

    વાંકાનેર તાલુકાના કાસમપરા-સિંધાવદર ગામે ખેતીની જમીનમાંથી રસ્તો કાઢવા બાબતે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા કાનૂની વિવાદમાં નામદાર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં વાંકાનેરની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટે જમીન માલિક ઈસ્માઈલ હાજી માણસીયાની તરફેણમાં ચુકાદો આપીને પ્રતિવાદીઓને તેમની જમીનમાં પ્રવેશવા પર કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો છે….

    કેસની વિગત મુજબ, સિંધાવદર ગામે ઈસ્માઈલ હાજી માણસીયાની માલિકીની સર્વે નં. ૨૫૪/૧ વાળી ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાંથી પસાર થઈને સર્વે નં. ૨૫૮ અને ૨૫૫ માં જવા માટે જાહીદ અબ્દુલરહીમ પરાસરા અને તેમના પરિવારજનો દ્વારા રસ્તાની માંગણી સાથે તકરાર ઉભી કરવામાં આવી હતી. આ રસ્તાની તકરાર અંગે જાહીદ પરાસરા દ્વારા સૌપ્રથમ મામલતદાર કોર્ટમાં (દાવા નં. ૫/૨૦૧૪) કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ઈસ્માઈલભાઈ દ્વારા સચોટ પુરાવા રજૂ કરાતા મામલતદારે અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ આ હુકમ સામે નાયબ કલેક્ટર (વાંકાનેર) માં અપીલ અને છેક નામદાર ગુજરાત હાઈકોર્ટમાં (સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૧૦૯૦૧/૨૦૧૭) પિટિશન દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ તમામ અદાલતોમાં જાહીદ પરાસરાની અરજીઓ રદ થઈ હતી અને મામલતદાર કોર્ટનો હુકમ જ કાયમ રાખવામાં આવ્યો હતો…

    આમ છતાં તકરાર ચાલુ રહેતા, પોતાની જમીનમાં કોઈને પ્રવેશ કરવાનો કે અડચણ ઊભી કરવાનો હક્ક નથી તે દર્શાવવા ઈસ્માઈલ હાજી માણસીયાએ વાંકાનેરની પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં તમામ દસ્તાવેજો સાથે રેગ્યુલર દીવાની દાવા નં. ૩૧/૧૪ થી દાવો દાખલ કર્યો હતો. જેની સામે જાહીદ પરાસરા અને ગુલાબ મહંમદ પરાસરા સહિતના અન્ય ૧૫ જેટલા પરિવારજનોએ રસ્તો હોવાનો દાવો કરતા વળતા દાવા (નં. ૨૯/૧૫ અને ૮૫/૧૫) કોર્ટમાં દાખલ કર્યા હતા.

    કોર્ટમાં લાંબી કાનૂની પ્રક્રિયા ચાલી હતી. જેમાં પ્રતિવાદીઓ જાહીદ અબ્દુલરહીમ, અબ્દુલરઝાક મહમદભાઈ અને સાક્ષી આરીફ જલાલની ઉલટતપાસ લેવામાં આવી હતી. ત્યારબાદ દલીલોના સ્ટેજ પર વાદી ઈસ્માઈલ માણસીયાના વકીલ દ્વારા ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ હકીકતો અને દસ્તાવેજોને ધ્યાને લઈ નામદાર કોર્ટે નોંધ્યું કે સર્વે નં. ૨૫૪/૧ માંથી પસાર થવાનો પ્રતિવાદીઓનો કોઈ સુખાધિકાર બનતો નથી કે ત્યાં કોઈ રસ્તો હતો જ નહીં.

    આથી કોર્ટે ઈસ્માઈલ માણસીયાનો દાવો (૩૧/૧૪) મંજૂર કર્યો હતો અને પરાસરા પરિવારના બંને દાવાઓ નામંજૂર કર્યા હતા. સાથે જ કોર્ટે ઈસ્માઈલ હાજી માણસીયાની તરફેણમાં કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો છે કે, પ્રતિવાદીઓએ આ ખેડવાણ જમીનમાં પ્રવેશ કરવો નહીં, ખેતીના સાધનો લાવવા લઈ જવા નહીં અને ખેતીકામમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ કે અંતરાય ઊભો કરવો નહીં. આ કેસમાં વાદી ઈસ્માઈલ હાજી માણસીયા તરફે સિંધાવદરના યુવા અને વિદ્વાન વકીલ ઈરસાદ એ. શેરસીયા, ધવલ એમ. દેવડા અને આદિલ માથકીયા રોકાયેલા હતા. જ્યારે આસિસ્ટન્ટ તરીકે મોહીન એમ. માણસીયા અને અયાન એમ. શેરસીયાએ સફળ કામગીરી બજાવી હતી.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!