
વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડમાં એક અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. જેમાં બસ સ્ટેન્ડના પ્રથમ માળની સીડી પરથી અચાનક નીચે પટકાતા એક યુવાનનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ અચાનક બનેલી ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની અને હાલ ગાંધીનગરના રાયસણ ખાતે રહેતા જયેશભાઈ રામજીભાઈ ચાવડા (ઉં.વ. ૩૭) વાંકાનેર આવ્યા હોય દરમિયાન વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કોઈ અગમ્ય કારણોસર તેઓ પ્રથમ માળની સીડી પરથી અચાનક નીચે પડી ગયા હતા….
સીડી પરથી પટકાતા જયેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, કમનસીબે અમદાવાદ ખાતે ચાલું સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું….

આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી લુણસર ગામ અને ચાવડા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. બનાવ અંગે સ્થાનિક વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…



