
વાંકાનેર પંથકમાં આવેલા અલગ-અલગ બે મગફળીના ગોડાઉનોમાં કામ કરતા શ્રમિકોને ત્રણ અજાણ્યા શખ્સોએ ગાળો આપી, માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભયભીત થયેલા શ્રમિકો કામ પડતું મૂકીને જતા રહેતા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટરે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આ ત્રણેય શખ્સો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે કોઠારિયા કોલોનીમાં રહેતા અને ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશનમાં ગોડાઉન તેમજ મજૂરો સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા નીલેશભાઈ બાબુભાઈ જલુએ પોતાના કામકાજ અર્થે વાંકાનેર નર્સરી ચોકડી થાન રોડ પર ‘સીમેલા’ કારખાનાનું ગોડાઉન અને વઘાસીયા ટોલનાકા પાસે ‘વાઈટ હાઉસ’ કારખાનાનું ગોડાઉન ભાડે રાખેલું છે.

આજથી એકાદ અઠવાડિયા પહેલા થાન રોડ પર આવેલા સીમેલા ગોડાઉનમાં મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે સાઈટ પરથી એક મજૂરે ફોન કરીને કોન્ટ્રાક્ટર નીલેશભાઈને જાણ કરી હતી કે ગોડાઉને ભરતસિંહ, ભુપતસિંહ અને અલી નામના ત્રણ શખ્સો આવ્યા છે. આ શખ્સો મજૂરોને ધમકાવીને બળજબરીપૂર્વક ગોડાઉનની બહાર કાઢી રહ્યા છે…

આ ઘટના બાદ, વઘાસીયા ટોલનાકા પાસેના વાઈટ હાઉસ ગોડાઉનમાં કામ કરતા વીંછીયાના રહેવાસી મહેશભાઈ નામના શ્રમિકનો કોન્ટ્રાક્ટર પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ ત્રણેય શખ્સો (ભરતસિંહ, ભુપતસિંહ અને અલી) ત્યાં પણ ધસી આવ્યા હતા અને મજૂરોને ધમકી આપી હતી કે, “કાલથી અહીં મજૂરી કામે આવતા નહીં, જો આવશો તો ટાંટિયા ભાંગી નાખશું.” આટલું જ નહીં, આ શખ્સોએ મહેશભાઈને બે ઝાપટ ઝીંકી દઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી…

આ બનાવની જાણ થતાં જ ફરિયાદી નીલેશભાઈ તાત્કાલિક વાંકાનેર ગોડાઉને દોડી ગયા હતા. ત્યાં ભયભીત થયેલા મજૂરોએ જણાવ્યું હતું કે, અવારનવાર ગાળો અને મારી નાખવાની ધમકીઓ મળતી હોવાથી હવે તેઓને અહીં મજૂરી કરવી નથી. ડરના માર્યા તમામ શ્રમિકો કામ પડતું મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે નીલેશભાઈ જલુની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ ભરતસિંહ, ભુપતસિંહ અને અલી (જેમના પૂરા નામની હાલ જાણ નથી) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t


