મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયામાં એક અત્યંત રસપ્રદ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, અનામતના સમીકરણોને કારણે કોંગ્રેસ પાર્ટીને મોટો ફાયદો થયો છે. અનામતના ગણિતમાં ભાજપને ધોબીપછાડ મળી છે અને પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે….

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની બેઠક આ ટર્મ માટે એસ.ટી. (ST – અનુસૂચિત જનજાતિ) વર્ગ માટે અનામત રાખવામાં આવી હતી. આ ST અનામત બેઠક માટે નેકનામ સીટ પરથી ચૂંટાયેલા કોંગ્રેસના મહિલા સદસ્ય ગીતાબેન રમેશભાઈ દુબરીયા દ્વારા જ પ્રમુખ પદ માટે એકમાત્ર ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમની સામે અન્ય કોઈ એસ.ટી. દાવેદાર ન હોવાથી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવાનું નિશ્ચિત બની ગયું છે….
પ્રમુખ પદ માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ હવે માત્ર ઉપપ્રમુખ પદ માટે જ ચૂંટણી યોજાશે. આ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સામસામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વાંકાનેરની ચંદ્રપુર બેઠકના સદસ્ય ઇસ્માઇલ ફતેભાઈ શેરસિયા સામે ભાજપના ઉમેદવાર તરીકે મોરબીની ખાનપર બેઠકના સદસ્ય વિપુલભાઈ કરશનભાઈ ગરચરએ ફોર્મ રજૂ કર્યા છે.
ઉપપ્રમુખની ચૂંટણી માટે આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ગીતાબેન દુબરીયાને ઔપચારિક રીતે બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે, જેમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તેનું પલડું ભારે દેખાઇ રહ્યું છે….


અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 7 બેઠકો આવી હતી. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ પાસે પૂર્ણ અને સ્પષ્ટ બહુમતી છે, પરંતુ પ્રમુખ પદ ST માટે અનામત આવતા ભાજપ માટે આ સીટ પર દાવેદારી કરવી અશક્ય બની હતી, જેના પરિણામે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના હાથમાં સરકી ગયું છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




