
તાજેતરમાં સાઉદી અરેબિયામાં હજ પઢવા ગયેલા વાંકાનેર તાલુકાના મહિકા ગામના હુસેનભાઇ હબીબભાઈ બાદીનું હજની સફરમાં દુઃખદ અવસાન થયું હતું, જેમાં પતિના આકસ્મિક નિધનથી તેમની સાથે હજમાં ગયેલા તેમનાં પત્ની અમીનાબેન એકલા પડી ગયા હતા. આ કપરી પરિસ્થિતિમાં માતાને હૂંફ આપવા અને હજની સફરમાં ધાર્મિક નિયમ મુજબ ‘મહરમ’ની જરૂરિયાત ઊભી થતાં તેમના પુત્ર સોયબભાઈએ તાત્કાલિક સાઉદી અરેબિયા જવાનો નિર્ણય લીધો હતો. આ વિકટ સમયે ગુજરાત રાજ્ય હજ કમિટીએ ઉત્કૃષ્ટ અને માનવીય અભિગમ દાખવીને ભારે જહેમત ઉઠાવી હતી….


માતા પાસે તાત્કાલિક પહોંચવા માટે પુત્ર સોયબભાઈએ ઈમરજન્સી પાસપોર્ટ માટે અરજી કરી હતી. આ સમયે ગુજરાત રાજ્ય હજ કમિટી તુરંત તેમની મદદે આવી હતી અને તાત્કાલિક ભલામણ પત્ર થકી માત્ર એક જ દિવસમાં તેમનો પાસપોર્ટ તૈયાર કરાવી આપ્યો હતો.
હાલમાં સાઉદી અરેબિયામાં હજ માટેની તમામ વિઝા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ, આ વિશિષ્ટ અને ઇમરજન્સી કેસમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના સચિવ આઇ. એમ. ઘાચી, સેક્શન ઓફિસર મ. તલ્હા સૈયદ તથા સલમાનભાઈની ટીમે વિશેષ દરમિયાનગીરી કરી હતી. તેમના સઘન પ્રયાસોથી સોયબભાઈના હજ વિઝા મંજૂર કરાવવામાં સફળતા મળી હતી.
આ સમગ્ર કટોકટીની ઘડીમાં અને દસ્તાવેજી પ્રક્રિયામાં મોરબી જિલ્લા હજ ફિલ્ડ ટ્રેનર ટીમે પણ સ્થાનિક કક્ષાએ પોતાની ફરજ નિભાવી હતી. તમામ જરૂરી મંજૂરીઓ અને વિઝા મળી ગયા બાદ ગુજરાત હજ કમિટી દ્વારા સોયબભાઈને હૈદરાબાદથી હજ માટે સાઉદી અરેબિયા રવાના કરવામાં આવ્યા છે. દુઃખની આ ઘડીમાં એકલવાયા પડેલા માતા પાસે પુત્રને પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય હજ કમિટી અને મોરબી હજ ટીમ દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા થઈ રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




