રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર માટે આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય હેઠળ હવે ખેડૂતોને જંત્રીના આધારે નહીં પરંતુ જમીનની વર્તમાન બજાર કિંમતના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે…

સરકારે ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં પણ ખેડૂતોને લાભ મળે તે માટે દરેક બાજુએ વધારાના એક મીટરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે 765 કે.વી. ટ્રાન્સમિશન લાઇન માટે અગાઉ 625 ચોરસ મીટર મુજબ મળતું વળતર હવે 729 ચોરસ મીટર મુજબ ચૂકવાશે. આ ઉપરાંત, અગાઉ ફાઉન્ડેશન, ઇરેક્શન અને વાયરિંગ એમ ત્રણ તબક્કામાં મળતું વળતર હવે એક જ વખતમાં 100 ટકા અગાઉથી ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળશે…

જમીનની વાસ્તવિક બજાર કિંમત પારદર્શક રીતે નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં જિલ્લા કલેક્ટર, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ ઉપરાંત અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના અધિકૃત માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે…

સરકારે વીજ લાઇનના રાઇટ ઓફ વે (RoW) માટે પણ બજાર કિંમતના આધારે વળતરની નવી વ્યવસ્થા જાહેર કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60 ટકા મુજબ વળતર ચૂકવવામાં આવશે. મહત્વની વાત એ છે કે જે ખેડૂતોને જૂની નીતિ મુજબ વળતર મળી ચૂક્યું છે, પરંતુ તેમની જમીન પર વીજ લાઇનનું કામ હજુ ચાલુ હોય તેઓને પણ નવી નીતિનો લાભ આપવામાં આવશે…

સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે ઐતિહાસિક અને રાહતરૂપ ગણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું વધુ યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. નવા નિયમથી ખેડૂતોને કેટલો મોટો ફાયદો થશે તેનું ઉદાહરણ જોઈએ તો, મોરબીના જેતપર ગામમાં 765 KV ની લાઈન માટે અગાઉના જંત્રીના નિયમ મુજબ ટાવર બેઝ માટે ખેડૂતને માત્ર 6.11 લાખ રૂપિયા મળતા હતા, જે નવા બજાર ભાવના નિયમ મુજબ વધીને 64.27 લાખ રૂપિયા મળશે. એવી જ રીતે ROW (લાઈન) માટે અગાઉ 3.40 લાખ રૂપિયા મળતા હતા, તેની જગ્યાએ હવે 37.25 લાખ રૂપિયા મળશે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
👉🏻નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો….👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ? s=cl&p=a&mlu=4&amv=0


