વાંકાનેર તાલુકાના ખાનપર ગામે યુવતી બાબતે થયેલી તકરારમાં વૃધ્ધની હત્યા નીપજાવવાના ચકચારી કેસમાં પોલીસે ઝડપેલા તમામ ૮ આરોપીઓના રિમાન્ડ મેળવવામાં પોલીસને નિષ્ફળતા મળી છે. વાંકાનેર કોર્ટે પોલીસની ૩ દિવસના રિમાન્ડની માંગણી ફગાવી દઈ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી (જેલહવાલે) મોકલી આપવાનો હુકમ કર્યો છે…


પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ખાનપર ગામે યુવતીના મામલે થયેલી તકરાર ઉગ્ર બનતા સગરામભાઈ સામતભાઈ સરવૈયા નામના વ્યક્તિની હત્યા નીપજાવવામાં આવી હતી. આ ગંભીર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૫૨ તથા જી.પી. એક્ટની કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં વાંકાનેર તાલુકા પોલીસે ખાનપર ગામના જ રહેવાસી ૮ આરોપીઓની સઘન તપાસ બાદ અટકાયત કરી હતી. કેસની વધુ તપાસ અર્થે પોલીસે તમામ આરોપીઓને વાંકાનેરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ સમક્ષ ૩ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ કાર્યવાહી દરમિયાન બચાવ પક્ષના એડવોકેટની દલીલોને ધ્યાને રાખીને નામદાર વાંકાનેર કોર્ટે પોલીસ દ્વારા માંગવામાં આવેલા ૩ દિવસના રિમાન્ડ નામંજૂર કરી તમામ ૮ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા હતા..

આ સમગ્ર કેસમાં આરોપીઓના બચાવ પક્ષે એડવોકેટ ભૂપતભાઈ એસ. લુંભાણી, રવિભાઈ કે. કોબિયા તથા અર્પિત જોબનપુત્રા રોકાયા હતા.


