Tuesday, November 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સોલાર વેપારી સાથે ₹ 2.19 લાખની ઓનલાઇન છેતરપિંડી : ગૂગલ પરથી...

    વાંકાનેરના સોલાર વેપારી સાથે ₹ 2.19 લાખની ઓનલાઇન છેતરપિંડી : ગૂગલ પરથી નંબર શોધી પાઇપ મંગાવવા જતાં ગઠિયાએ બોગસ બિલ બનાવી ચૂનો લગાવ્યો !

    ગૂગલ પરથી અજાણી કંપનીનો સંપર્ક નંબર શોધી વ્યવહાર કરવો વાંકાનેરના એક સોલાર વેપારીને ભારે પડ્યો છે. લુધિયાણાની જાણીતી કંપનીના નામે બોગસ બિલ બનાવી અને ઓળખની ચોરી કરી અજાણ્યા ગઠિયાએ સોલાર ઇન્સ્ટોલેશનના પાઇપ મોકલવાની લાલચ આપી રૂ. ૨.૧૯ લાખની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વેપારીએ અજાણ્યા મોબાઇલ અને બેંક ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર ખાતે સેવન સ્ટાર સોલાર એનર્જી’ નામની કંપની ચલાવતા ફરીયાદી ઇકબાલભાઈ હુસેનભાઈ બાદી ગુજરાત અને રાજસ્થાનમાં સોલાર ઇન્સ્ટોલેશનનું કામ કરતા હોય જેમાં રાજસ્થાન ઓફીસમાં સોલાર ઇન્સ્ટોલેશનના પાઇપ ખૂટી પડતા કંપનીના ડિલર મહમદઇરફાન મહેબુબખાનએ ગૂગલ પર સોલાર ઈન્સ્ટોલેશન પાઈપ સર્ચ કરીને મેળવેલા નંબરના આધારે સામેવાળી પાર્ટી સાથે ૨ ટન પાઇપની ખરીદીની વાતચીત કરી હતી. સામેવાળા શખ્સે પેમેન્ટ મળ્યાના બે દિવસમાં માલ મોકલી આપવાની ખાતરી આપી લુધિયાણાની ‘રાકેશ ઇન્ડસ્ટ્રીઝ’ ના નામે વોટ્સએપ પર બિલ અને બેંક વિગતો મોકલી હતી…

    આ બિલના આધારે ફરીયાદી ઇકબાલભાઈએ ગત તા. ૧૮/૦૬/૨૦૨૬ના રોજ વાંકાનેરથી ચેક મારફતે રૂ. ૨,૧૯,૦૦૦ની રકમ આર.ટી.જી.એસ. કરી આપ્યા બાદ સામેવાળી પાર્ટીએ ફોન બંધ કરી માલ ન મોકલાવી છેતરપિંડી આચરતા ઇકબાલભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી એનસીસીઆરપી (NCCRP) પોર્ટલ પર અરજી નોંધાવી હતી. બીજી તરફ, ડીલર ઇરફાનભાઈ જાતે લુધિયાણા જઈને તપાસ કરતા ત્યાં ‘રાકેશ ઇન્ડસ્ટ્રીઝ’ નામની કંપની તો મળી આવી હતી, પરંતુ તે નટ-બોલ્ટ બનાવતી કંપની હતી. કંપનીના અસલ બિલ અને બેંક સ્ટેટમેન્ટ તપાસતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ગઠિયાએ તે કંપનીના બિલની હૂબહૂ નકલ કરી તેમાં માત્ર પોતાનો અલગ બેંક એકાઉન્ટ નંબર નાખી દીધો હતો અને અસલ કંપનીના ખાતામાં આ પૈસા જમા જ થયા નહોતા…

    આ મામલે ઇકબાલભાઈ બાદીએ લુધિયાણાની ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના ખાતાધારક અને સંબંધિત મોબાઇલ નંબરના ધારક વિરુદ્ધ અન્ય કંપનીની ઓળખની ચોરી કરી, બોગસ બિલ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રૂ. ૨,૧૯,૦૦૦/- ની છેતરપિંડી આચરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!