વાંકાનેર શહેરના નવાપરા પુલ પાસે અચાનક રોડ ક્રોસ કરી રહેલી મહિલા સાથે ટુ-વ્હીલર અથડાતા સર્જાયેલા અકસ્માત બાદ ઉશ્કેરાયેલા મહિલાના પુત્ર અને એક અજાણી મહિલાએ ગેરેજ સંચાલક તથા તેના મિત્ર પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં યુવકને માથામાં મૂઢ ઈજા અને પગની આંગળીમાં ફ્રેક્ચર થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ કેશોદના અને હાલ વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં નુર પ્લાઝા હાઈવે રોડ પર રહેતા તેમજ ગેરેજનો વ્યવસાય કરતા સાજીદભાઈ ભીખુભાઈ લાખા (ઉં.વ. ૨૫)ને નવાપરામાં વાસુકી દાદાના મંદિર પાસે સર્વિસ રોડ પર પાર્ક કરેલું વાહન રિપેર કરવા માટે ફોન આવ્યો હતો. જેથી તેઓ પોતાના મિત્ર અરમાનહુશેન દલ સાથે અન્ય મિત્ર સબીરભાઈ સમાનું બર્ગમેન ટુ-વ્હીલર લઈને ગેરેજથી નવાપરા જવા નીકળ્યા હતા….
વાંકાનેરથી નવાપરા પુલ પૂરો થાય ત્યાં આવેલા કટ પાસે પહોંચતા જ અચાનક એક મહિલા રોડ ક્રોસ કરવા નીકળતા ટુ-વ્હીલર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મહિલા સહિત બંને યુવકો રોડ પર પટકાયા હતા. સાજીદભાઈ અને તેમના મિત્રએ ઈજાગ્રસ્ત મહિલાને ઉભા કરી રોડની સાઈડમાં બેસાડ્યા હતા. આ દરમિયાન મહિલાના કોઈ સગા એવી એક અજાણી મહિલા હાથમાં લાકડાનો ધોકો લઈને દોડી આવી હતી અને સાજીદભાઈને પાછળ વાસાના ભાગે ઠોસા મારવા લાગી હતી….
ત્યારબાદ ત્યાં પહોંચેલા એક પુરુષે તે જ લાકડાનો ધોકો હાથમાં લઈ સાજીદભાઈના માથામાં ઘા ઝીંકી દેતા તેઓ અર્ધબેભાન થઈને ઢળી પડ્યા હતા. હુમલાખોરે તેમના ડાબા પગના પોચાના ભાગે પણ ધોકો ફટકાર્યો હતો તેમજ મિત્ર અરમાનહુશેન દલને પણ બંને શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થતા અકસ્માતનો ભોગ બનેલી મહિલાનું નામ લાભુબેન ચંદુભાઈ મકવાણા અને હુમલો કરનાર શખ્સ તેમનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા ઈજાગ્રસ્ત સાજીદભાઈ અને લાભુબેનને સારવાર અર્થે સાંઈ ઓર્થોપેડિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબે સાજીદભાઈને ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર અને માથામાં મૂઢ ઈજા હોવાનું જણાવી વધુ સારવાર અને એમ.આર.આઈ. માટે મોરબી મોકલી આપ્યા હતા. સારવાર બાદ સાજીદભાઈએ પોતાના પિતા અને મિત્ર સાથે પોલીસ મથકે પહોંચી લાભુબેન ચંદુભાઈ મકવાણાના પુત્ર તથા તેની સાથેની અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


