મોકડ્રીલમાં પણ મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી પડે, ખરેખર દુર્ઘટના સમયે કેવી પરિસ્થિતિ સર્જાઈ ?
વાંકાનેર નજીક આવેલ સિરામીક એકમમાં આજરોજ સાંજના સમયે ડ્રોન અટેક થતા ભાગદોડ મચવા પામી હતી. આપાતકાલીન પરિસ્થિતિની સાયરન વાગતા સિરામીક એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ અને આપદા મિત્રોએ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો….
ફાયરબ્રિગેડની અસુવિધા ઉજાગર….
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી સાથે યોજવામાં આવેલ મોકડ્રીલમાં પણ મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી પડી હોય, જ્યારે ખરેખર કોઈ અઘટિત ઘટના કે દુર્ઘટના સર્જાય ત્યારે વાંકાનેરમાં ફાયર સુવિધાનો અભાવ હોય, ત્યારે કેવિ પરિસ્થિતિ સર્જાઈ તે વિચારી શકાય છે…..
સરકારશ્રીના ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભગરૂપે યોજાયેલી મોકડ્રીલના સીનારિયા મુજબ સાંજે સિરામીક એકમ પર ડ્રોન અટેક થતા આગ લાગી હતી અને ડ્રોન અટેકના કારણે સિરામીક એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. સાયરન વગાડી કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ શક્ય તેટલી ઝડપે સ્થળ નજીકના ઢુવા અને પાડધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ, વાંકાનેર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને છેક મોરબીથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા…
બચાવની કામગીરીમાં સામાન્ય ઈજાગ્રસ્તોને નજીકના ઢુવા અને પાડધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય કર્મચારીઓને એન.એચ.એ.આઈ.ના ટોલ પ્લાઝા ખાતે આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા. અંતે આ તમામ ગતિવિધિ મોકડ્રીલનો એક ભાગ હોવાની જાણ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો…
આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જિલ્લાના આપદા મિત્રો અને જી.આર.ડી.ના જવાનો તથા વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રી તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA