
ગામ સમસ્તની જમીન વેચવાનો ખાતેદારોને કોઈ હક્ક નથી : અદાલતે સાટાખત ગેરકાયદેસર ઠેરવી કાયમી મનાઈ હુકમ ફરમાવ્યો….

વાંકાનેર તાલુકાના હસનપર ગામે આવેલી ‘ગામ સમસ્ત’ની ૪૦ એકર અને ૨૯ ગુંઠાની કિંમતી વિડીની જમીન અંગે મહેસૂલી અને કાનૂની વિવાદમાં નામદાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટે ગ્રામજનોની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જમીન વેચવા માટે વર્ષ ૨૦૧૫માં કરાયેલા રજિસ્ટર્ડ સાટાખતને કોર્ટે ગેરકાયદેસર અને બિનઅમલી ઠેરવીને પ્રતિવાદીઓ સામે કાયમી મનાઈહુકમ હુકમ કર્યો છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામની સીમ જમીન સરવે નંબર ૮૦ ની ૪૦ એકર ૨૯ ગુંઠા – વિડીની જમીન રેવન્યુ રેકોર્ડમાં ‘હસનપર ગામ સમસ્ત’ ના નામે નોંધાયેલી હોય, ત્યારે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા ખાતેદારોએ આ જમીન વેચવાના ઈરાદાથી તારીખ ૧૯/૦૩/૨૦૧૫ ના રોજ સાટાખતનો દસ્તાવેજ બનાવી આપતા ગામની મિલકત બચાવવા માટે હસનપર ગામના જાગૃત નાગરિક બેચરભાઈ પોપટભાઈ દાવદ્રા સહિત ૧૦ ગ્રામજનોએ આગળ આવીને નામદાર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ દાવામાં જમીન ખરીદનાર, ખાતેદારો તેમજ સરકાર પક્ષે વાંકાનેર મામલતદારશ્રીને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા.

મહેસૂલી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં ચાલેલા આ કેસમાં વાદી પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, આ જમીન સમગ્ર ગામની હોય, રેવન્યુ રેકોર્ડમાં દર્શાવેલ ખાતેદારોને તે વેચવાનો કે સાટાખત કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. નામદાર કોર્ટે તમામ પુરાવા અને રજૂઆતો ધ્યાને લઈ વાદીઓનો દાવો મંજૂર કર્યો છે અને ઠરાવ્યું છે કે, તા. ૧૯/૦૩/૨૦૧૫ ના રોજ થયેલ રજિસ્ટર્ડ સાટાખત સંપૂર્ણપણે ગેરકાયદેસર અને રદબાતલ છે. ખાતેદારોને આ જમીન વેચવાનો કે ટ્રાન્સફર કરવાનો કોઈ હક્ક નથી. પ્રતિવાદીઓ સામે આ જમીન અંગે કાયમી મનાઈ હુકમ ફરમાવવામાં આવે છે. આ કેસમાં વાદીઓ (ગ્રામજનો) તરફે વાંકાનેરના એડવોકેટ શ્રીમતી દક્ષાબેન એમ. અઘારા રોકાયેલ હતા.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




