
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના ખેડૂતો માટે વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા સામે તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેતપરડા ગામના સર્વે નંબરમાં આવેલી લીટો સેનેટરી વેર ફેક્ટરીના માલિક દ્વારા અંદાજે ૪૦ ફૂટ જેટલી સરકારી જમીનમાં કુદરતી વોકળો (પાણીનો નિકાલ માર્ગ) પૂરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ભોજપરા ગામની સીમમાં ભારે હોનારત સર્જાઈ હતી.


જેમાં બે દિવસ પહેલા આ વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદને કારણે પાણીનો કુદરતી પ્રવાહ રૂંધાયો હતો, જેથી વરસાદી પાણી સ્ટેટ હાઈવે પાર કરીને સીધું ભોજપરા ગામની સીમમાં ઘૂસી ગયું હતું. આ પાણીનો સીધો પ્રવાહ સ્થાનિક ખેડૂત કડીવાર જૂનેદ મહેબૂબ અને કડીવાર હુશેન ઉસ્માનના ખેતરોમાં ફરી વળ્યો હતો. પાણીના ધોધમાર વહેણને કારણે ખેતરોમાં ઊભો પાક તબાહ થઈ ગયો હતો અને જમીનની ફળદ્રુપ માટી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, જેનાથી ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ગંભીર પરિસ્થિતિ અંગે જાણ થતાં જ લોકપ્રતિનિધિઓ અને તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અકબરભાઈ બાદી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ, વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી, ભોજપરા ગામના સરપંચ તથા માજી સરપંચ, જેતપરડા ગામના સરપંચ, માજી સદસ્ય અકબરભાઈ સહિતના સ્થળ પર પહોંચ સ્થળ નિરીક્ષણ કરી બંધ કરી દેવાયેલો સરકારી જમીનનો વોકળો ખુલ્લો કરાવ્યો હતો, જેનાથી વરસાદી પાણીનો સુચારુ નિકાલ શરૂ થયો હતો…

કાર્યવાહી બાદ સંબંધિત ફેક્ટરી માલિકને ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં કુદરતી પાણીના માર્ગમાં અવરોધ ઊભો ન કરવા અને આ નિકાલ કાયમી ધોરણે ખુલ્લો રાખવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, પંચાસર બાયપાસ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓને યોગ્ય અને કાયમી ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચના પવામાં આવી હતી…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


