ઉત્તર ભારતમાં હિમવર્ષા અને પવનની દિશા બદલાતા વાંકાનેર સહિત મોરબી જિલ્લામાં ઠંડક પ્રસરી….

ઉત્તર ભારતમાં શરૂ થયેલી હિમવર્ષા અને પવનની દિશામાં આવેલા ફેરફારની સીધી અસર હવે ગુજરાત સહિત વાંકાનેર પંથકમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અને મોડી રાત્રે ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શિયાળાની વિધિવત શરૂઆત થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે….
વાંકાનેર સહિત મોરબી જિલ્લાના તાપમાનમાં સ્પષ્ટ ફેરફાર નોંધાયો છે. હાલમાં દિવસનું મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે, જ્યારે રાત્રિનું લઘુતમ તાપમાન ઘટીને 15 થી 18 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. દિવસના તાપમાનમાં આવેલા ઘટાડાથી બપોરની ગરમીની તીવ્રતામાંથી લોકોને આંશિક રાહત મળી છે.
જોકે, દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે મોટો તફાવત હોવાથી મોરબી જિલ્લાવાસીઓ હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ બપોરના સમયે તડકાને કારણે હળવી ગરમી વર્તાય છે, તો બીજી તરફ મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે. ખાસ કરીને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો હવે સ્વેટર અને ગરમ કપડાંમાં જોવા મળી રહ્યા છે…
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોની અસર યથાવત રહેતા આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ સ્થિતિમાં આગામી સપ્તાહથી વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં ઠંડીનું જોર વધુ વધવાની પૂરી શક્યતા છે….



