Friday, November 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તીથવા ગામે ગ્રામજનોની એકતાની અનોખી મિસાલ : લોકફાળાથી હાઈસ્કૂલનું નવું ભવન...

    વાંકાનેરના તીથવા ગામે ગ્રામજનોની એકતાની અનોખી મિસાલ : લોકફાળાથી હાઈસ્કૂલનું નવું ભવન નિર્માણ કરી લોકાર્પણ કરાયું….

    વારંવારની રજૂઆતો છતાં સરકારી વ્યવસ્થા ન થતાં શિક્ષકો, આગેવાનો, યુવાનો અને પૂર્વ વિદ્યાર્થીઓએ બીડું ઝડપ્યું….

    વાંકાનેર તાલુકાના તીથવા ગામે શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અને ગ્રામજનોની એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ગામની ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલનું જૂનું મકાન જર્જરિત થઈ જતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર સંકટ તોળાયું હતું. સરકારી તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં નવા મકાનની વ્યવસ્થા ન થતાં આખરે ગામના શિક્ષકો, આગેવાનો, યુવાનો અને પૂર્વ વિદ્યાર્થીઓએ એકજૂથ થઈ લોકફાળાથી નવું શાળા ભવન તૈયાર કરી દીધું છે. આ નવનિર્મિત ભવનનું ગઈકાલે દાતાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના તીથવા ગામની જી. પી. હાઈસ્કૂલનું અગાઉનું બિલ્ડિંગ નવનિર્માણ બાદ નબળી ગુણવત્તાની કામગીરીના કારણે ટૂંકા જ સમયમાં જર્જરિત અને ભયજનક હાલતમાં ફેરવાઈ ગયું હતું. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મકાનમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવાની ફરજ પડી હતી. બાળકોના શિક્ષણ માટે સુરક્ષિત મકાનની તાતી જરૂરિયાત હોવાથી સરકારી તંત્ર સમક્ષ વારંવાર માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ નવા બાંધકામ અંગે કોઈ નક્કર વ્યવસ્થા થઈ શકી ન હતી….

    આખરે બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે ગ્રામજનોએ સ્વયં પહેલ કરી લોકફાળાથી નવું ભવન બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગામના શિક્ષકો, અગ્રણીઓ અને યુવાનોના આ અભિયાનમાં ગ્રામજનોની સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો, જેના ફળસ્વરૂપે આજે અદ્યતન શાળા ભવન ઊભું થઈ શક્યું છે.

    તીથવા ગામની આ શાળામાં ધોરણ ૯ અને ૧૦નું શિક્ષણ આપવામાં આવે છે, જે ખાસ કરીને આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગના પરિવારો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ગામમાં જ ધોરણ ૧૦ સુધીના અભ્યાસની સુવિધા જળવાઈ રહેવાથી વિદ્યાર્થીઓની સાથે ખાસ કરીને દીકરીઓને પણ બહારગામ જવાની મુશ્કેલી વિના પોતાના ગામમાં જ રહીને આગળ ભણવાની સુવર્ણ તક મળી રહેશે. ગ્રામજનોના આ સહિયારા પ્રયાસની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!