
વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાંથી એક અત્યંત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સિઝેરિયન ડિલિવરી બાદ છેલ્લા છ મહિનાથી થતા અસહ્ય શારીરિક દુખાવાથી કંટાળીને એક ૨૪ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. યુવાન વયે પરિણીતાના મોતના પગલે બે પરિવારોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે….
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ સાયલા તાલુકાના ચોરવીરા ગામના વતની અને પરિણીત એવા ૨૪ વર્ષીય વર્ષાબેન ભરતભાઈ સાબરીયા છેલ્લા કેટલાક સમયથી વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં આવેલી પોતાના પિતાની વાડીએ રહેતા હતા. ગઈકાલે વાડીએ જ તેમણે અચાનક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પી લેવાના કારણે તેમની તબિયત લથડતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને સારવાર કારગત નીવડે તે પહેલાં જ વર્ષાબેનનું કરુણ મોત નીપજ્યું હતું….


આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં વિગત સામે આવી હતી કે, મૃતક વર્ષાબેનને આશરે છ મહિના પહેલા સિઝેરિયન ડિલિવરી (ઓપરેશન) કરવામાં આવી હતી. આ ડિલિવરી બાદથી જ તેમને સતત અને અસહ્ય દુખાવો રહેતો હતો. લાંબા સમય સુધી દુખાવો મટતો ન હોવાથી તેઓ શારીરિક અને માનસિક રીતે કંટાળી ગયા હતા અને આ પીડાથી ત્રસ્ત થઈને જ તેમણે પિતાની વાડીએ મોતને વ્હાલું કરવાનું આત્યંતિક પગલું ભર્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




