
વાંકાનેર શહેર નજીક અમરસર ગૈમ પાસે રોડ પર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બુલેટ મોટરસાયકલને હડફેટે લઈ જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બુલેટ સવાર બે પૈકી એક વ્યક્તિનું માથામાં ગંભીર ઇજા પહોંચવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી છે. હાલ આ બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો છે….


પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રાયધનભાઈ પરબતભાઇ બાંભવાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૨ના રોજ રાત્રિના સમયે તેઓ યુસુફભાઈ સાથે બુલેટ બાઇક અમરસર ફાટકથી તિથવા ગામે ગોલા લઈને પરત આવી રહ્યા હોય ત્યારે અમરસર ગામે નવાપરા પાસે સામેથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈપૂર્વક ધસી આવેલી બોલેરો વાહન નંબર GJ-36-V-4280 ના ચાલકે તેમના બુલેટ ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો…


આ અકસ્માતના બનાવમાં બુલેટ પર બેઠેલા યુસુફભાઈને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી રાયધનભાઈ બાંભવાને મોઢાના જડબાના ભાગે તેમજ ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



