
બુધવારે કારખાનાઓની રજાનો લાભ ઉઠાવી લૂંટ ચલાવે તે પૂર્વે પોલીસનો સપાટો; તીક્ષ્ણ હથિયારો, કટર અને રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત…
રાજકોટ શહેરના આજી GIDC વિસ્તારમાં આવેલા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં ધાડ તેમજ લૂંટ ચલાવવાની પૂર્વ આયોજિત તૈયારી સાથે આવેલા વાંકાનેરના ૬ શખસોની ધાડપાડુ ગેંગને થોરાળા પોલીસે ગુનાને અંજામ આપે તે પૂર્વે જ ઝડપી લીધી છે. પોલીસે આ શખસો પાસેથી તીક્ષ્ણ હથિયારો, શટર-ગ્રીલ કાપવાના સાધનો અને રિક્ષા મળી કુલ રૂ. ૫૬,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ થોરાળા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ૮૦ ફૂટ રોડ પર ટર્બો ગેટથી આગળ આજી GIDC ખાતે જાહેર રોડ પર એક શંકાસ્પદ CNG ઓટો રિક્ષા ઊભેલી જોવા મળતા પોલીસ રિક્ષામાં પાસે પહોંચી હતી જેમાં રીક્ષામાં બેઠેલા છ શખસોની હલનચલન શંકાસ્પદ જણાતા પોલીસે તુરંત તેમની અંગઝડતી લેતા તેમની પાસેથી ઘાતક હથિયારો અને ઘરફોડ ચોરીના ઓજારો મળી આવ્યા હતા.

જેથી પોલીસે સ્થળ પરથી આરોપી ૧). જાવિદભાઈ ઉર્ફે જાવલો સલીમભાઈ બુખારી, ૨). સાહિલભાઈ ઉર્ફે કુકો દિનેશભાઈ ચારોલીયા, ૩). અખતર ઉર્ફે ભુરો આમદભાઈ મકરાણી, ૪). સાહિલભાઈ મુસાભાઈ માજોઠી, ૫). સુનીલભાઈ ઉર્ફે કટ્ટિ કાળુભાઈ બાબરીયા અને ૬). સાહિલભાઈ ઉર્ફે ટકો શબીરહુસૈન રફાઈ (રહે. બધા વાંકાનેર, જી. મોરબી)ની અટકાયત કરી પોલીસે આરોપીઓ પાસેથી બે તીક્ષ્ણ છરી, ગ્રીલ/શટર કટર, લોખંડની બે કોશ તથા પ્લાસ્ટિકની પાઈપ, ૨૭ અલગ-અલગ પ્રકારના પાના-પકડ, ડિસમિસ અને ઓજારો અને એક CNG ઓટો રિક્ષા સહિત કુલ રૂ. ૫૬,૯૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, બુધવારના દિવસે આજી GIDC વિસ્તારના કારખાનાઓ બંધ રહેતા હોવાથી આ ટોળકી વાંકાનેરથી ખાસ રિક્ષા લઈને રાજકોટ આવી હતી. તેઓ બંધ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શટર કે ગ્રીલ કાપીને ધાડ પાડવાના ઇરાદા સાથે આવ્યા હતા. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગે અગાઉ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો છે કે કેમ, તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




