વાંકાનેર તાલુકાના ક્ષત્રિય પરિવારોના ભાઈઓ-બહેનો, યુવાનો તથા આગેવાનો સમસ્ત વાંકાનેર ક્ષત્રિય રાજપૂત સમાજ સમિતિ દ્વારા હાલ ચાલતા નારી અસ્મિતા આંદોલન અનુસંધાને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ “ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન” ને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ હોય, જેમાં આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાનમાં કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે.
જેથી આવું કાંઈ ન બને અથવા રાજપૂત સમાજના આંદોલનને નામે ન ચડે તે માટે આપણે તારીખ 7 ના ચૂંટણીના મતદાનના દિવસને લક્ષમાં રાખીને શાંતિ જાળવવા અને શિસ્ત બદ્ધ રીતે રહેવા જણાવવામાં આવ્યું છે. રાજપૂત સમાજના કોઈ પણ સભ્યએ કાયદો હાથમા ન લેવો તેમજ આચારસંહિતાનો ભંગ ન થાય તેવી રીતે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવામાં અગ્રેસર રહેવું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેવી સર્વે કાળજી રાખવા રાજપૂત ભાઈઓ, બહેનો તથા વડીલોને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ કરવામાં આવી છે….