
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલા એક સિરામિક કારખાનામાં એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારખાનાના પાર્કિંગમાં રિવર્સ લેવાઈ રહેલા એક ટ્રેલર નીચે કચડાઈ જવાથી ૩૭ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં ડ્રાઇવરે બેદરકારી દાખવી પોતાના જ કૌટુંબિક ભાઈ પર ટ્રેલર ચડાવી દેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૪ના રોજ સાંજના સમયે માટેલ રોડ પર આવેલા ક્યુરો સિરામિક કારખાનાના પાર્કિંગમાં ટ્રેલર નંબર RJ-52-GB-4034 નો ચાલક રામજીલાલ સુરજમલ પલસનીયા પોતાનું ટ્રેલર રિવર્સ લઈ રહ્યો હોય દરમિયાન ટ્રેલરની બરાબર પાછળ તેનો જ કૌટુંબિક ભાઈ હરફુલસિંઘ જગદીશપ્રસાદ પલસનીયા (ઉ.વ. ૩૭) પ્રેશર પાઇપ ચેક કરી રહ્યો હતો…

આ દરમિયાન ડ્રાઈવર રામજીલાલે પાછળ કોણ ઉભું છે તે જોયા વગર જ અત્યંત બેદરકારી અને ગફલતભરી રીતે ટ્રેલર રિવર્સ લેતા પાછળ ઉભેલા હરફુલસિંઘ પર ટ્રેલરનો પાછળનો જોટો (વ્હીલ) ફરી વળ્યો હતો. ભારેખમ ટ્રેલરનું વ્હીલ યુવાનના છાતી, પેટ અને માથાના ભાગે ફરી વળતા તે ગંભીર રીતે કચડાઈ ગયો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું….

આ ગોઝારા બનાવ અંગે મૃતક યુવાનના કાકા સંતોષકુમાર ભૈરૂલાલ પલસનીયા (હાલ રહે. ભરતનગર, મોરબી) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તેમની ફરિયાદના આધારે બેદરકારી દાખવનાર આરોપી ડ્રાઈવર રામજીલાલ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તથા વધુ તપાસ હાથ ધરી છે….



