
ચાલુ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની છે. ત્યારે વાંકાનેર પંથકના ખેડૂતો અને માલધારીઓની વેદનાને વાચા આપવા માટે માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન શકીલએહમદ કે. પીરઝાદા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી મોરબી જિલ્લાને ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવા માંગ કરી છે….


મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લા અને ખાસ કરીને વાંકાનેર પંથકમાં વરસાદ ખેંચાઈ જવાથી ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બિયારણ, ખાતર અને દવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ સિઝન નિષ્ફળ જતાં જગતનો તાત બેંકો અને સહકારી મંડળીઓના દેવા તળે પાયમાલીના આરે આવીને ઊભો છે. બીજી તરફ, સીમાડાઓમાં ઘાસચારો અને પાણી ખૂટી પડતાં અબોલ પશુઓ અને પશુપાલકો (માલધારીઓ) માટે પણ ખાણ-દાણ અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મોરબી જિલ્લાને તાત્કાલિક ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરી યોગ્ય રાહત પેકેજ આપવા,

આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની બેંક તેમજ સહકારી સંસ્થાઓની તમામ પ્રકારની લોન અને કૃષિ ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે રાહત દરે અથવા નિઃશુલ્ક ઘાસચારાના વિતરણ કેન્દ્રો શરૂ કરી પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણી અને સિંચાઈની કાયમી સમસ્યા ઉકેલવા ‘સૌની યોજના’ અંતર્ગત વાંકાનેરના મચ્છુ-૧ ડેમને તાત્કાલિક નર્મદાના નીરથી ભરવા અને તેમાથી ખેડૂતોને શિયાળુ (રવિ) પાકના વાવેતર માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા માંગ કરવામાં આવી છે….



