સામાન્ય રીતે ઉંમરલાયક વ્યક્તિઓ માટે ગંભીર બીમારી કે અકસ્માત જીવલેણ સાબિત થતા હોય છે, પરંતુ મોરબીની આયુષ હોસ્પિટલના તબીબોએ ઝેરી સર્પદંશનો ભોગ બનેલા ૯૫ વર્ષીય વૃદ્ધને મોતના મુખમાંથી પાછા લાવીને તબીબી ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક ૯૫ વર્ષીય વૃદ્ધને ઝેરી સાપે ડંખ મારતા તેમની હાલત અત્યંત નાજુક અને ગંભીર બની ગઈ હતી. પરિવારજનો દ્વારા સમય ગુમાવ્યા વિના તેમને મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલી ‘આયુષ હોસ્પિટલ’ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે દર્દીની સ્થિતિ અતિ ગંભીર હોવાથી તેમને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા…

હોસ્પિટલના નિષ્ણાત ડૉ. સત્યજીતસિંહ જાડેજા અને તેમની સમગ્ર ICU ટીમ દ્વારા દર્દીનું સચોટ નિદાન કરી યુદ્ધના ધોરણે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આટલી મોટી ઉંમર હોવા છતાં, ડોક્ટર્સની રાત-દિવસની મહેનત અને યોગ્ય તબીબી દેખરેખ રંગ લાવી હતી. ડૉ. જાડેજા અને ICU ટીમની સતત મોનિટરિંગ હેઠળ, આશ્ચર્યજનક રીતે માત્ર એક જ અઠવાડિયામાં આ વૃદ્ધ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા. મોતને મ્હાત આપીને સ્વસ્થ થયેલા દર્દીએ હોસ્પિટલમાંથી રજા લઈને પરિવાર સાથે ખુશીથી ઘરે વાપસી કરી ત્યારે પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા…

આ કેસની સફળતા બાદ આયુષ હોસ્પિટલના તબીબોએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, “સર્પદંશ (સાપ કરડવાની) ઘટનામાં ક્યારેય ગભરાશો નહીં કે અંધશ્રદ્ધામાં સમય ન બગાડશો. સાપ કરડ્યા બાદ સમયસર અને યોગ્ય તબીબી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું દર્દીનું જીવન બચાવવામાં અત્યંત મહત્વનું છે.


