માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી (એમસીસી) ગુજરાતે રાજ્યના ડીજીપીને આવેદનપત્ર પાઠવી પશુઓની હેરફેર કરતા વાહનચાલકો પાસેથી ખંડણી વસૂલતી ટોળકીઓ અને પોલીસ દ્વારા કથિત રીતે જાહેરમાં માર મારવાની ઘટનાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

એમસીસીના કન્વીનર મુજાહિદ નફીસની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રજૂઆત કરી હતી કે, અડાલજ, વડોદરા, આણંદ, સિદ્ધપુર અને માતર સહિતના વિસ્તારોમાં પશુઓના વાહનોને અટકાવી નાણાં પડાવવા અને હુમલાની ઘટનાઓ વધી રહી છે. વધુમાં, તાપી, અમદાવાદ, ભાવનગર, દ્વારકા અને સુરતમાં આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢીને ફેરવવા અને માર મારવાની ઘટનાઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશો તથા માનવાધિકારોનું સીધું ઉલ્લંઘન છે, ત્યારે આવા બનાવોને અટકાવવા એમસીસીએ માંગ કરી છે કે હાઇવે પર ખંડણી વસૂલતી ટોળકીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવી, પોલીસ દ્વારા જાહેરમાં માર મારવા કે આરોપીઓને ફેરવવાની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તથા ટોળાંની હિંસા (મોબ લિન્ચિંગ) રોકવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ અને 12 મે, 2026ના ડીજીપીના પરિપત્રનો કડક અમલ કરાવવો…
આ સાથે જ ઘટનાઓના પુરાવાઓ સુરક્ષિત રાખવા અને પીડિતો/સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવા અને તપાસ અને લેવાયેલા પગલાં અંગે સમયમર્યાદામાં લેખિત અહેવાલ આપવા માંગ કરવામાં આવી છે. એમસીસીએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાના શાસનમાં કોઈપણ વ્યક્તિ કે પોલીસને કાયદાકીય પ્રક્રિયા બહાર સજા આપવાનો અધિકાર નથી. આ તકે પ્રતિનિધિમંડળમાં મુજાહિદ નફીસ ઉપરાંત જમીલા ખાન, ઉસ્માનગની શેરસિયા અને આબિદ છુઆરા ઉપસ્થિત રહ્યા હતા…


