
વાંકાનેરના દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને યુકેની ડિ મોન્ટ ફોર્ટ યુનિવર્સિટીના ઑડિયોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રવણ ક્ષતિ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ‘હિયરિંગ એઇડ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય અભિયાનના ૧૦ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે તેને વિશેષ ઉજવણી સ્વરૂપે યોજવામાં આવ્યો હતો….
ત્રણ દિવસીય આ કેમ્પમાં કુલ ૧૬૯ દર્દીઓના કાનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૫૫ દર્દીઓને અંદાજે રૂ. ૨.૨૫ કરોડથી વધુની કિંમતના અત્યાધુનિક આયાતી મશીનો બિલકુલ મફત આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, વિદેશથી લાવવામાં આવેલા આ પ્રત્યેક મશીનની ભારતીય બજાર કિંમત રૂ. ૧.૪૦ લાખથી ૨.૫૦ લાખ જેટલી થાય છે.
કેમ્પનો પ્રથમ દિવસ (૨૭ ઓક્ટોબર) વાંકાનેર ખાતે યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ૮૪ વર્ષીય સ્થાપક ડૉ. ભાનુબેન મહેતા અને યુકેના પ્રોફેસરો વેન્ડી મેડમ તથા પોલના હસ્તે થયું હતું. ત્યારબાદ ૨૮ અને ૨૯ ઓક્ટોબરે ચોટીલા ખાતે કેમ્પ યોજાયો હતો. ચોટીલાના કેમ્પમાં સ્થાનિક આગેવાન કિરીટસિંહ (મામા), આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના કાર્યકરો અને કિરીટસિંહની શાળાના શિક્ષકો (અનુવાદક તરીકે) નો વિશેષ સહયોગ મળ્યો હતો.
આ પ્રસંગે ચોટીલા ડુંગરના મહંત શ્રી જગદીશગીરીબાપુ અને મંડપડા આશ્રમના મહંત શ્રી પ્રવીણબાપુએ ખાસ ઉપસ્થિત રહી ૮૪ વર્ષની વયે પણ કાર્યરત ડૉ. ભાનુબેન મહેતાને દીર્ઘાયુષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દેવદયા ટ્રસ્ટના મેનેજર ધવલભાઈ કંસારા અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી….



