સૌરાષ્ટ્ર-ગુજરાત ઝોનના કેપિટલ સિટી ગણાતા રાજકોટમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ‘ગિફ્ટ સિટી ઝોન’ વિકસાવવાની પ્રબળ માંગ ઊઠી છે. આ જાહેર લોકહિતના મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી અને સંસદ સભ્યને મોરબી જીલ્લા ભાજપ કિસાન મોરચાના પુર્વ ઉપપ્રમુખ અજય પટેલ (ઝાલરીયા) દ્વારા લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે…
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટના કોઈ એક ઔદ્યોગિક, શહેરી કે ગ્રામ્ય વિસ્તારને ‘ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્શિયલ ટ્રેડ હબ’ (ગિફ્ટ સિટી) તરીકે ડેવલપ કરવામાં આવે. જો રાજકોટમાં આવું વર્લ્ડ ક્લાસ બિઝનેસ કેપિટલ બનશે તો સૌરાષ્ટ્રવાસીઓ માટે સર્વિસ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં રોજગારીની વિપુલ તકો ઊભી થશે.
વધુમાં રજૂઆત કરાઈ છે કે, આ પ્રોજેક્ટથી પ્રવાસન (ટુરીઝમ), વ્યાપાર (ટ્રેડ) અને વાહનવ્યવહાર (ટ્રાન્સપોર્ટ) ક્ષેત્રને જબરદસ્ત ગતિ મળશે. રિયલ એસ્ટેટ અને પબ્લિક સેક્ટરમાં ઝડપી વિકાસ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ઝોન આર્થિક, સામાજિક અને રાજકીય રીતે વધુ ગતિશીલ અને વિકસિત બનશે તેવી આશા વ્યક્ત કરી સત્વરે આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે….


