વાંકાનેર તાલુકાના કણકોટ ગામે દીકરીને ભગાડી જઈ પ્રેમલગ્ન કરવાના જૂના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું, જેમાં બંને પક્ષે લોખંડના પાઇપ, ધારિયા અને લાકડીઓ વડે હુમલો કરતા અનેક લોકોને ઈજાઓ પહોંચી છે, જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે…

પ્રથમ ફરિયાદ : વાતચીત કરવા ગયેલા પરિવાર પર પાઇપ-લાકડીથી હુમલો…
વાંકાનેરના કણકોટ ગામે રહેતા ફરીયાદી રમેશભાઈ નાથાભાઈ સારદીયા (ઉ.વ.૫૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણા, ૨). પંકજભાઈ અરવિંદભાઈ મકવાણા, ૩). નિલેષભાઈ અરવિંદભાઈ મકવાણા, ૪). રવિ (અરવિંદભાઈનો આંગળીયાત દીકરો) અને ૫). હકુભાઈ જેસિંગભાઈ સારદીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના ભાણેજ ગોવિંદભાઈએ છએક મહિના પહેલા આરોપી અરવિંદભાઈની દીકરી આરતીબેન સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.
આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી ઝઘડો કરતા હતા. ત્યારે રમેશભાઈ તથા તેમના પરિવારના રંજુબેન, અલ્પેશ, જયરાજ અને હાર્દિક વાતચીત કરવા માટે આરોપીઓ પાસે જતા, આરોપીઓએ “અમારી દીકરીને ભગાડવામાં તમારો હાથ છે” કહીને હુમલો કરી માર માર્યો હતો જેમાં રમેશભાઈનો હાથ પાઇપના ફટકાથી ભાંગી ગયો હતો, જ્યારે હકુભાઈ અને જયરાજને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થઈ હતી…

વળતી ફરીયાદ : “તારાથી થાય તે કરી લે” કહી ધારિયા વડે હુમલો…
આ જ બનાવમાં સામાપક્ષે ફરીયાદી નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપીઓ ૧). જીવરાજ નાથાભાઈ સારદીયા, ૨). રમેશ નાથાભાઈ સારદીયા, ૩). અલ્પેશ ઉર્ફે કિશન રમેશ સારદીયા, ૪). જયરાજ જીવરાજ સારદીયા અને ૫). હાર્દિક જીવરાજ સારદીયા સામે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની બહેન અસ્મિતાને આરોપી જીવરાજનો ભાણેજ ગોવિંદ ભગાડી ગયો હોય જે મુદ્દે ફરિયાદીના પિતાને આરોપી જીવરાજે ઉશ્કેરણીજનક રીતે કહ્યું હતું કે, “અસ્મિતાને ભગાડવામાં મારો જ હાથ છે, તારાથી થાય તે કરી લે.” છે બાદ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડના ધારિયા અને પાઇપ વડે હુમલો કરી નિલેશ તથા તેના પિતા અરવિંદભાઈ અને ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધીને મારામારી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



