સ્પર્ધામાં ભાગ લેનાર સાત પૈકી ચાર ત્લબા / વિદ્યાર્થીઓને અલગ અલગ સ્પર્ધાઓમાં સફળતા મેળવી….
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ ગૌષે સમદાની સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગત તા. ૨૯ નવેમ્બરથી ૧ ડીસેમ્બર દરમ્યાન ગોવા ખાતે યોજાયેલ SSF NATIONAL સાહિત્યોત્સવમાં હમ્દ, નાત શરીફ, મનકબત, રાષ્ટ્રીય તરાના, તકરીર (ઉર્દૂ) વગેરેની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયેલ હોય, જેમાં આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી કેરળ, બેંગ્લોર, કર્ણાટક, કશ્મીર, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી તલ્બાઓ / વિદ્યાર્થીઓ ભાગ લેવા આવેલ હોય, જેની વચ્ચે દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીનાં સાત તલ્બાઓ પૈકી ચાર તલ્બાઓએ અલગ અલગ સ્પર્ધામાં બીજો અને ત્રીજો ક્રમ મેળવી નેશનલ લેવલે સંસ્થાનું નામ રોશન કર્યું છે….
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દારૂલ ઉલૂમ ગૌષે સમદાની મોમીન સમાજની શૈક્ષણિક અને સામાજિક નામાંકિત સંસ્થા વર્ષ ૨૦૦૧ થી કાર્યરત રહી દીની તાલીમ તથા શિક્ષણ ક્ષેત્રમાં સતત પ્રગતિના શિખરો સર કરી રહી છે. હાલ સંસ્થામાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ દીની ઇલ્મ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે, જ્યાં ધોરણ ૬ થી ૧૧-૧૨ કોમર્સ સુધીની શાળા કાર્યરત છે. આ સાથે જ અહીં દીની ઇલ્મમાં હીફઝ કોર્ષ, કિરઅત કોર્ષ, આલીમ કોર્ષ પણ ખુબ સારા અંદાજમાં ચાલી રહ્યા છે.
સંસ્થામાં બાળકોને તાલીમ સાથે નબીયે કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની સુન્નતે પાકના દાયરામાં રહીને જીવન ગુજારવા તર્બિયત (ઘડતર) કરવામાં આવે છે તેમજ જુદી જુદી સ્પર્ધાઓની તૈયારી પણ કરાવવામાં આવે છે, જેથી તેઓ સમાજ માટે સારા વક્તા / સારા ઉસ્તાદ / સારા શિક્ષક બની શકે….
આ તકે નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને સંસ્થાના નાઝીમે આલા મૌલાના મોહમ્મદઅમીન અકબરી તથા ટ્રસ્ટી ગણે અભિનંદન પાઠવ્યા હતા…