વાંકાનેર તાલુકાની ઢુવા જિલ્લા પંચાયત બેઠકના ચૂંટણી સમીકરણોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ઢુવા પંથકના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટી દ્વારા એક યુવા અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે…


રાજગઢ ગામના વતની, યુવા એડવોકેટ અને કોળી સમાજના અગ્રણી દાનાભાઈ ઝરવરીયાના પત્ની પરશનબેનને કોંગ્રેસે ઢુવા બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ગત ચૂંટણીમાં મળેલી હાર બાદ આ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી થોડી નબળી પડી હતી, પરંતુ આ વખતની નવી રણનીતિ અને યુવા ચહેરાની પસંદગીથી કોંગ્રેસના કાર્યકરોમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા છે.


ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થતાની સાથે જ ઢુવા પંથકમાં કોંગ્રેસની આ રણનીતિ સફળ થતી દેખાઈ રહી છે. પ્રચાર દરમિયાન ઠેર-ઠેર કોંગ્રેસના આ યુવા અને શિક્ષિત આગેવાનને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને કોળી સમાજ દ્વારા તેમને ભારે આવકારો આપવામાં આવી રહ્યો છે, જેનાથી કોંગ્રેસ આ વિસ્તારમાં ફરી એકવાર મજબૂત સ્થિતિમાં ઉભરી રહી છે.

ઢુવા પંથક હંમેશાથી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ રહ્યો છે, ત્યારે એક શિક્ષિત અને યુવા ઉમેદવાર મેદાનમાં હોવાથી સ્થાનિક મતદારો, ખાસ કરીને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જનતા તરફથી મળી રહેલા આ જબરદસ્ત પ્રતિસાદને પગલે વિરોધી ઉમેદવારો અને પક્ષોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અગાઉ ઢુવા જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતી હતી. હવે, બદલાયેલા આ નવા સમીકરણો અને યુવા ઉમેદવાર તરફ લોકોના ઝુકાવને જોતા, રાજકીય પંડિતોનું માનવું છે કે ઢુવા બેઠક પર કોંગ્રેસનો ગઢ ફરી એકવાર મજબૂત અને અડીખમ બનવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી દિવસોમાં આ બેઠક પરનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




