
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલી બેલાની ખાણમાં લેબર કામ રાખવા બાબતે થયેલી તકરારમાં એક યુવક પર હુમલો કરી, જાતિ પ્રત્યે હડધૂત કરવાનો મામલો સામે આવ્યો છે. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે કુવાડવાના શખ્સ સામે એટ્રોસિટી અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ખોરાણા વિસ્તારમાં રહી ખાણમાં મજૂરી કોન્ટ્રાક્ટનું કામ કરતા કેવલભાઈ વનરાજભાઈ સોલંકી અને તેમના ભાઈ અજયભાઈ (ઉં.વ. ૨૩) ગઈકાલે વાંકાનેરના ભીમગુડા ગામે આવેલી ટમુબેન પરબતભાઈ મોઢવાડિયાની લીઝમાં બેલાની ખાણનું કામ રાખવા માટે ગયા હતા. બંને યુવકો ખાણનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે કુવાડવા ગામનો કરશનભાઈ નગાભાઈ કરમુર પોતાની કાળા રંગની થાર ગાડી (GJ-03-PD-0704) લઈને ત્યાં પહોંચ્યો હતો…
તેણે કેવલભાઈને ધમકાવતા કહ્યું હતું કે, “અહીંયા તમારે આ મનીષભાઈ મેરની ખાણ રાખવાની નથી, અમારે આ મેર સાથે ડખો ચાલે છે.” જેની સામે કેવલભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, “અમે માત્ર ખાણ જોવા આવ્યા છીએ, તમારા ડખા સાથે અમારે કોઈ લેવાદેવા નથી.” આ સાંભળી ઉશ્કેરાયેલા આરોપીએ કેવલભાઈને જાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો ભાંડી હતી.

આ બનાવ બાદ કેવલભાઈ અને અજયભાઈ કાર લઈને ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે કરશનભાઈએ પોતાની થાર ગાડી રસ્તા વચ્ચે ઊભી રાખી તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીએ ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી કેવલભાઈના માથાના ભાગે ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્ત કેવલભાઈને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકે વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી કરશનભાઈ નગાભાઈ કરમુર સામે ફરીયાદ નોંધાવી છે.



