
વાંકાનેરમાં અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભામાં ખેડૂતોના હિતમાં બે મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, જેમાં વાંકાનેર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને સિંચાઈ માટે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી મચ્છુ-૧ ડેમમાં ઠાલવવાની રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે….


આજરોજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડની મળેલ સાધારણ સભામાં વાંકાનેર વિસ્તારના ખેડૂતોના વિશાળ હિતમાં વિવિધ દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે વાંકાનેર તાલુકામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ નહિવત રહ્યું છે. અપૂરતા વરસાદને કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને સમગ્ર તાલુકામાં દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. આથી માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે વાંકાનેર તાલુકાને સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો….


આ સાથે જ ઓછો વરસાદ પડવાના કારણે વાંકાનેરના મચ્છુ-૧ ડેમમાં પાણીનો જથ્થો ઘણો ઓછો છે અને હાલમાં ઉપલબ્ધ પાણી માત્ર પીવાના ઉપયોગ માટે જ ચાલે તેમ છે. આ સંજોગોમાં ખેડૂતોને આગામી સીઝનમાં પિયત માટે પાણીની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે. આથી, ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહે તે હેતુથી ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદા ડેમમાંથી મચ્છુ-૧ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો મચ્છુ-૧ ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવે તો આગામી સીઝનમાં ખેડૂતોના પાકને બચાવી શકાય તેમ છે. આ બંને મુદાઓ પર સામાન્ય સભામાં હાજર તમામ સભ્યોએ એકસૂરે સહમતી દર્શાવીને સર્વાનુમતે ઠરાવ પસાર કર્યા છે અને હવે રાજ્ય સરકાર આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂત આલમમાં અપેક્ષા છે….




