વાંકાનેર-ઢુવા નેશનલ હાઇવે પર જાંબુડીયા ગામ નજીક રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો છે. અજાણ્યા ટ્રકને ઓવરટેક કરવા જતાં અચાનક રસ્તા વચ્ચે આખલો આવી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ પશ્ચિમ બંગાળના યુવાનનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું….


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ વાંકાનેરના વઘાસીયા ગામ નજીક આવેલ સીમસ્ટોન સિરામિકમાં રહીને મજૂરીકામ કરતો ૨૦ વર્ષીય દીલમહમદ રજાક અંસારી ગત ૮ ઓક્ટોબરના રોજ સાંજના સમયે પોતાના મિત્ર પ્રેમ ધનેશી બાસફોર સાથે સુપર સ્પ્લેન્ડર બાઇક (નં. GJ-03-CK-8574) પર બેસીને ઢુવા ખાતે કપડાંની ખરીદી કરવા ગયો હતો….

ખરીદી પૂર્ણ કરીને બંને મિત્રો પરત પોતાના કારખાને જઈ રહ્યા હોય દરમિયાન સાંજના સવા છ વાગ્યા આસપાસ જાંબુડીયા ગામના પાટિયા પાસે, તિરુપતિ પેટ્રોલ પંપ નજીક પહોંચતા બાઇક ચાલક પ્રેમ બાસફોરે એક અજાણ્યા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બરાબર એ જ સમયે રસ્તા પર એક આખલો અચાનક આડો ઉતરતા બાઇક તેની પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું…


અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકની પાછળ બેઠેલો દીલમહમદ હવામાં ફંગોળાઈને સીધો જ બાજુમાંથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના તોતિંગ વ્હીલ (જોટા)માં ખાબક્યો હતો. યુવાન પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેના માથાની ખોપરી ભાંગી ગઈ હતી અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t


