
વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં પ્રેમ પ્રકરણ મામલે યુવતીની શોધખોળ કરવા ગયેલા પરિવાર પર હુમલો કરી યુવતીના દાદાની ઘાતકી હત્યા કરવાના ચકચારી બનાવમાં વાંકાનેર પોલીસે ત્વરિત અને સઘન કાર્યવાહી કરી છે. પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ ૮ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખાનપર ગામમાં રહેતી હેતલ નામની યુવતીને ગામનો જ કિશન મકવાણા નામનો યુવાન ભગાડી ગયો હોવાની આશંકાએ યુવતીના પરિવારજનો પૂછપરછ કરવા ગતરાત્રીના યુવકના ઘરે ગયા હોય, ત્યારે કિશનના પરિવારજનોએ ઉશ્કેરાઈ જઈને લાકડી અને ધોકા વડે યુવતીના પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવતીના દાદા સગરામભાઈ સામતભાઈ સરવૈયાને માથાના ભાગે લાકડીનો જોરદાર ઘા વાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક સભ્યોને પણ ઈજાઓ પહોંચી હતી….


આ બનાવ અંગે મૃતકના પુત્ર હેમુભાઈ સરવૈયાએ વાંકાનેર પોલીસ મથકમાં ૮ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. હત્યા જેવા ગંભીર ગુનાની જાણ થતાં જ વાંકાનેર પોલીસનો કાફલો હરકતમાં આવ્યો હતો અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા….

આ ગંભીર ગુનામાં પોલીસ આરોપીઓ ૧. દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, ૨. કિરણભાઈ દેવાભાઈ મકવાણા, ૩. વિપુલભાઇ દેવાભાઇ મકવાણા, ૪. રાજુભાઈ છનાભાઈ મકવાણા, ૫. મનસુખભાઇ છનાભાઈ મકવાણા, ૬. ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, ૭. વિરમભાઈ મનસુખભાઈ મકવાણા અને ૮. જેમાભાઈ સોમાભાઇ મકવાણા (રહે તમામ – ખાનપર, તા. વાંકાનેર) ની અટકાયત કરી મેડિકલ ચેકઅપ સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તેમજ હત્યામાં વપરાયેલા લાકડી અને ધોકા જેવા હથિયારો કબજે કરવાની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t


