
રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વાંકાનેર તાલુકાના અમરસર ગામે મામલતદાર કચેરીના ઉપક્રમે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને સરકારી યોજનાઓના લાભ ઘરઆંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અમરસર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો..


કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા ઉપલબ્ધ સરકારી સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માત્ર માર્ગદર્શન જ નહીં, પરંતુ અનેક અરજદારો અને ગ્રામજનોએ સ્થળ પર જ પોતાની રજૂઆતોનું નિરાકરણ લાવી વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો સીધો લાભ લીધો હતો.

ગ્રામજનોને પારદર્શક, સરળ અને ઝડપી વહીવટનો અનુભવ કરાવતો આ સેવા સેતુ કાર્યક્રમ અત્યંત લોકઉપયોગી અને સફળ રહ્યો હતો. સરકારના ‘સેવા, સુશાસન અને સંકલ્પ’ના મંત્રને આ કાર્યક્રમે સાચા અર્થમાં સાર્થક કર્યો હતો.


આ લોકકલ્યાણકારી કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્રની સાથે રાજકીય આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલમજીદ કડીવાર, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા અને ઉપપ્રમુખ દુષ્યંતસિંહ ઝાલાએ હાજરી આપી હતી. આ ઉપરાંત વાંકાનેર તાલુકા લઘુમતી મોરચાના મહામંત્રી ઈર્ષાદ ખોરજીયા, તીથવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ડો. મુફિઝ માથકિયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હુસેનભાઈ સહિત ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા…



