
આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રી તહેવાર આવી રહ્યો હોય ત્યારે પાલનપીર અને કચ્છના માં આશાપુરાના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે વાંકાનેરના રાતીદેવડી-કોઠારીયા તરફના માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પરના મસમોટા ખાડાઓને કારણે પદયાત્રીઓ, ખેડૂતો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ માર્ગ પર રાત્રિના સમયે પદયાત્રીઓની ચહલપહલ વધુ હોય છે, ત્યારે રસ્તાની આવી ખસ્તા હાલતને કારણે મોટા અકસ્માતનો ભય રહેલો છે. માટે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય ફારૂકભાઈ કડીવારે મીડિયા સમક્ષ રસ્તાની તસવીરો રજૂ કરી છે અને અધિકારીઓને ટેલિફોન પર જાણ કરી તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામની માંગ કરી છે.

એક તરફ સરકાર વિકાસના મોટા દાવાઓ કરે છે, ત્યારે બીજી તરફ ધાર્મિક યાત્રાના માર્ગોની આવી દયનીય સ્થિતિ મુદ્દે કોંગ્રેસે સત્તાધારી ભાજપ અને તંત્રને ઘેર્યા છે. હવે તંત્ર ક્યારે રસ્તાનું સમારકામ કરે છે તેના પર સૌની નજર છે….




