
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરીમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં મધ્યપ્રદેશના મંદસૌરના વતની એવા ૧૯ વર્ષીય યુવક પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ટ્રકની નીચે ભૂલથી રહી ગયેલું પાનું લેવા જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના વારની ગામનો ૧૯ વર્ષીય યુવાન દિલિપ કાલુરામ પવાર પોતાના ટ્રક નં. RJ-50-GB-1836માં ટાઇલ્સ ભરવા માટે વાંકાનેરના સરતાનપર રોડ સ્થિત ‘રીચ સિરામિક’માં આવ્યો હતો. અહીં ટ્રકનો પિસ્ટન તૂટી જતાં મિસ્ત્રીને બોલાવીને રિપેરિંગ કરાવવામાં આવ્યું હતું. મિસ્ત્રી કામ પતાવીને ગયા બાદ, દિલિપ ટ્રકમાં એર-પ્રેશર ભરી રહ્યો હતો….

આ દરમિયાન તેને યાદ આવ્યું કે મિસ્ત્રીનું નટ-બોલ્ટ ખોલવાનું પાનું ટ્રકની કેબિન નીચે જ રહી ગયું છે. ત્યારે કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વિના કે બ્રેક માર્યા વગર તે ઉતાવળમાં પાનું લેવા ટ્રકની નીચે ગયો હતો. દિલિપ નીચે જતાં જ અચાનક ટ્રક પાછળની તરફ ગબડવા (રળવા) લાગ્યો હતો, જેને કારણે કેબિન પાછળનું ભારેખમ ટાયર દિલિપના પેટ અને કમરના ભાગે ફરી વળ્યું હતું.

આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા દિલિપને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….



