વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં વાહનચોરીના બનાવો અટકાવવા અને વણઉકેલાયેલા (અનડીટેક્ટ) ગુનાઓનો ભેદ ઉકેલવા મોરબી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ચોરી કે છળકપટથી મેળવેલા મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી SOG ટીમ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ ઉમિયા સિરામિક સામે પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માટેલ રોડ તરફથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં કાળા કલરના નંબર પ્લેટ વિનાના હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક લઈને આવતો નજરે પડતા પોલીસે તુરંત જ તેને અટકાવીને પૂછપરછ શરૂ કરી હતી….


પોલીસે આ શખ્સ પાસે બાઈકની આરસી (RC) બુક તથા અન્ય આધારભૂત દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ તેણે પોતાની પાસે વાહનના કોઈ કાગળો ન હોવાનું જણાવ્યું હતું. મોટરસાયકલની માલિકી બાબતે ગોળ-ગોળ અને અસંતોષકારક જવાબ મળતાં પોલીસે બાઈકના ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન વાહન અંગેની કોઈ સત્તાવાર વિગતો ન મળતાં આ વાહન ચોરી અથવા છળકપટથી મેળવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે આશરે રૂ. ૨૦,૦૦૦ ની કિંમતના બાઈક સાથે આરોપી નવાઝની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….



