વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલી એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા પ્રાચીન વસ્તુઓનું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું પણ શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તેમના ઘરમાં વડીલો દ્વારા સચવાયેલી આશરે 100થી 500 વર્ષ જૂની અંદાજે 700 જેટલી દુર્લભ અને ઐતિહાસિક વસ્તુઓ પ્રદર્શન માટે લાવ્યા હતા, જેમાં ઘરવખરી, વાસણો, ઘર સજાવટની એન્ટિક ચીજવસ્તુઓ, હળ-બળદગાડાને લગતી સામગ્રી અને ગ્રામ્ય જીવનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો, જૂના સમયના સિક્કાઓ, ચલણી નોટો, જૂના સાઈકલ લાઇસન્સ અને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ, આકર્ષક પરંપરાગત ગ્રામ્ય પોશાકો સહીતનું પ્રદર્શન યોજાયું હતું…

આ પ્રકારના શૈક્ષણિક આયોજનથી નવી પેઢીને આપણી પ્રાચીન સંસ્કૃતિ, જીવનશૈલી અને વારસાને નજીકથી જાણવાની અને તેને સાચવવાની ઉત્તમ પ્રેરણા મળી હતી.પ્રદર્શનની સાથોસાથ વિદ્યાર્થીઓના કૌશલ્ય અને આવડતને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, હેરસ્ટાઇલ સ્પર્ધા, વાનગી સ્પર્ધા યોજાઇ હોય જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલા અને સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું…




