વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો છે, જેની પૂછપરછમાં દારૂ પૂરો પાડનાર અન્ય એક આરોપીનું નામ સામે આવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોય દરમિયાન સરતાનપર ગામની સીમમાં આવેલા કવરટેક કારખાનાની બાજુમાંથી એક યુવાન પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતો નજરે પડ્યો હતો. પોલીસે તેને અટકાવી બાચકાની તલાશી લેતા તેમાંથી રૂ. ૩,૫૦૦ની કિંમતના વિદેશી દારૂના ૧૦ નંગ ચપલા મળી આવ્યા હતા….


જેથી પોલીસે મુદ્દામાલ સાથે આરોપી નાગજીભાઈ જાદુભાઈ ફીસડીયા (ઉ.વ. ૨૨, રહે. સરતાનપર)ની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આરોપીએ દારૂનો આ જથ્થો સાદુરભાઈ વીરપરવાળા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



