
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વહીવટી માળખામાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. સરહદી સુરક્ષા અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને, ગૃહ વિભાગે બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જની રચના કરી છે. આ સાથે જ, અત્યાર સુધી રાજકોટ રેન્જનો ભાગ રહેલા મોરબી જિલ્લાને હવે ત્યાંથી મુક્ત કરીને બોર્ડર રેન્જમાં સમાવવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે…
અગાઉ રાજકોટ રેન્જ હેઠળ ૫ જિલ્લાઓ (રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી) આવતા હતા. પરંતુ, મોરબી જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ જિલ્લાને અડીને આવેલો છે. કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય જમીન અને દરિયાઈ સરહદ ધરાવતો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ મજબૂત નિયંત્રણ મેળવવા માટે ભૌગોલિક સળંગતા જરૂરી હતી. માટે ભૌગોલિક પાસાઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને બોર્ડર રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે…

નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી…
અત્યાર સુધી સરહદી રેન્જ (ભુજ-કચ્છ) હેઠળ કચ્છ (પશ્ચિમ), કચ્છ (પૂર્વ), પાટણ અને બનાસકાંઠા એમ 4 જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આ રેન્જનો વિસ્તાર આશરે 550 કિલોમીટર જેટલો મોટો હોવાથી છેવાડાના પોલીસ સ્ટેશનો પર અસરકારક દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી હતી તેમજ તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આથી, વહીવટી કામગીરીને વધુ સરળ અને સુદ્રઢ બનાવવા જૂની બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જ બનાવવામાં આવી છે. આ નવી રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે રહેશે…
ગૃહ વિભાગના નવા આદેશ બાદ હવે વિવિધ રેન્જ અને તેમાં સમાવિષ્ટ જિલ્લાઓની સ્થિતિ નીચે મુજબ રહેશે…
1). બોર્ડર રેન્જ : પશ્ચિમ કચ્છ (ભુજ), પૂર્વ કચ્છ (ગાંધીધામ) અને મોરબી.
2). રાજકોટ રેન્જ : રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર
3). બનાસકાંઠા રેન્જ (નવી રેન્જ) : બનાસકાંઠા (પાલનપુર), પાટણ અને વાવ-થરાદ

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



