
વાંકાનેર તાલુકાના આણંદપર ગામમાં ભત્રીજાનું બાઈક આરોપીના પત્નીના ખાટલા સાથે અથડાયાની સામાન્ય બાબતે ખાર રાખી ચાર શખ્સોએ હથિયારો સાથે ધસી આવી એક જ પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મારામારીમાં ત્રણ સગા ભાઈઓ તેમજ એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના આણંદપર ગામે ધાર પાસે રહેતા ફરીયાદી કુકાભાઈ તખાભાઈ પરમારે વાંકાનેર તાલુકા પોલીસમાં આરેપી ૧). જનક વજાભાઈ સિંધવ, ૨). અજય ભવાનભાઈ ચૌહાણ, ૩). શૈલેષ જગાભાઈ ચૌહાણ અને ૪). રાહુલ ફુલાભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના ભત્રીજા શૈલેષ ઘુઘાભાઈનું બાઈક ગામના જનકભાઈના પત્ની પૂનમબેનના ખાટલા સાથે અડી ગયું હતું.
આ સામાન્ય બાબતની અદાવત રાખી આરોપીઓ હાથમાં લોખંડની પાઇપ અને લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવી ચારેય શખ્સોએ ફરિયાદી કુકાભાઈ અને તેમના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી કરી બેફામ ગાળો આપી ઝપાઝપી કરી લોખંડની પાઇપ વડે ફરિયાદી તેમના પત્ની અને ભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




